નર્મદાને મૃતપાય થતી અટકાવવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં જાહેર હિતની અરજી દાખલ

(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર,તા.૩૦
નર્મદા નદી દિન પ્રતિદિન સુકાઈ રહી છે. એક સમયે બંને તરફ વહેતી નર્મદા નદી હાલ નહેર જેવી બની ગઈ છે. એટલું જ નહિ દરિયાનું ખારૂં પાણી નર્મદા નદીમાં ધસી આવ્યું છે. સરદાર સરોવર ડેમથી ડાઉન સ્ટ્રીમમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડાતા નદીની આ હાલત થઇ છે. નર્મદા નદીમાં પાણી ન છોડાતા તેની આડ અસરો ઉભી થવા પામી છે. પાણી ન હોવાના કારણે જળચરોને પણ વ્યાપક પણે નુકસાન થવા પામ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ તથા ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ – એન.જી.ટી.માં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અને આ અરજીમાં નર્મદા નદીમાં પાણીના અપૂરતા પ્રવાહના કારણે ઉભી થયેલ આડ અસરના વિસ્તૃત અહેવાલ માટે સ્વતંત્ર એક્સપર્ટ કમિટી નીમવા અંગે, તથા કેન્દ્રના પર્યાવરણ વન અને કલાઇમેટ ચેન્જ મંત્રાલયની સંબંધિત વિભાગને ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીના પાણી પર નભતા તમામની જરૂરિયાતને પહોંચી વળાય તેટલો પ્રવાહ અંગેનો અહેવાલ તૈયાર કરવા દાદ કરવામાં આવી છે ઉપરાંત નદીના પર્યાવરણને થયેલ નુકસાન અંગેનું એસેસમેન્ટ કરવા અને સરદાર સરોવર બંધથી નર્મદા નદીના બેસીન સુધીના વિસ્તારને ક્રિટિકલ વનરેબલ કોસ્ટલ એરિયા જાહેર કરી તેનું જતન કરવાની દાદ માંગવામાં આવી છે. વર્તમાન ૬૦૦ ક્યુસેક પાણીને નર્મદા ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવે છે જે છેલ્લા ૨૦-૨૫ વર્ષમાં ઉદભવેલી પરિસ્થિતિના સંદર્ભમાં પર્યાપ્ત નથી જેથી તેની પૂનઃવિચારણા થવી જોઈએ.
જાણવા મળ્યા મુજબ હાલમાં દરિયાનું ખારૂં પાણી ૭૨ કિમિ સુધી પહોંચી ગયું છે. જેના કારણે નદી ખારપટમાં ફેરવાઈ ગઈ છે. મત્સ્ય ઉદ્યોગોને પણ આડ અસરથી છે. વર્ષો અગાઉ નર્મદા નદીમાં માઇગ્રેટેડ પક્ષીઓ પણ આવતા હતા. જે પણ હવે નહિવત છે. જમીનોમાં ખારાશ વધતા ફળદ્રુપ ખેતીલાયક જમીન બંજર થઇ છે. ભૂતળમાં ખારાશ વધી ગઈ છે.
તો ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા પણ ભરૂચ જિલ્લાના વિકાસ માટે અને સગવડો માટે વખતો વખત આંદોલનો કરવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે પણ બંને સંસ્થાઓ અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓ સાથે મળી નર્મદા નદીને બચાવવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks