અમદાવાદ,તા. ૨૪
શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી સિનેમા પાસે ચા પીવા ઉભા રહેલા એક ગૃહસ્થની બાઇકની ડેકીમાં રૂ.૭૫ હજાર રોકડા ભરેલી બેગ ચોરી ગઠિયો ફરાર થઇ ગયો હતો. બેગમાં રોકડા રૂપિયાની સાથે કેટલાક મહત્વના દસ્તાવેજો પણ હતા, જે ચોરાઇ ગયા હતા. આમ, એક કટીંગ ચા ગૃહસ્થને રૂ.૭૫ હજારમાં પડી હતી. ચા પીવા જતાં ગૃહસ્થે રૂ.૭૫ હજાર ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં આ બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, શહેરના નવા નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ-૧૦ ખાતે રહેતાં માનસિંહ લાલચંદ ચૌહાણ નરોડા વિસ્તારમાં જય અંબે ગેરેજ, ગેલેક્સી સિનેમાની સામેથી સુભાષ ટી સ્ટોલ આવતાં રસ્તામાં તેઓ ચા પીવા ઉભા રહ્યા હતા. માનસિંગભાઇ ચા પી રહ્યા હતા એ દરમ્યાન કોઇ અજાણ્યો ગઠિયો તેમની બાઇકની ડેકીમાં મૂકેલી બેગ કે જેમાં રૂ.૭૫ હજાર રોકડા અને મહત્વના દસ્તાવેજો હતા તે બેગ ચોરી રફુચક્કર થઇ ગયો હતો. બાદમાં માનસિંહભાઇને ચોરીની જાણ થતાં તેમને ફાળ પડી હતી પરંતુ બેગ નહી મળતાં આખરે તેમણે નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.