અમદાવાદ,તા. ૨
શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાઓનો સિલસિલો જારી રહ્યો છે. નારોલ વિસ્તારમાં ગઇ મોડી રાત્રે પથ્થર વડે મોંઢુ છૂંદી નાંખી એક યુવકની હત્યા કરી લાશ ફેંકી દેવાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લાશની ઓળખ ના થાય તે હેતુથી હત્યારાઓએ યુવકનું મોંઢુ પથ્થર વડે છૂંદી નાંખ્યું હોવાનું પોલીસ માની રહી છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં આ પાંચમી હત્યા છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા, લૂંટ, મારામારી સહિતના ગંભીર ગુનાઓ ચિંતાજનક હદે વધ્યા હોવાછતાં પોલીસ જાણે નિષ્ક્રિય થઇને બેસી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નારોલ સર્કલથી સરખેજ જવાના રોડ પર એક યુવકની લોહીથી લથપથ લાશ પડી હોવા અંગેના મસેજ વટવા પોલીસને મોડી રાત્રે મળ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં યુવક ૨૦થી ૨૫ વર્ષની ઉંમરના આશરાનો જણાયો હતો. તેના મોંઢા પર પથ્થર વડે હુમલો કરાયો હતો અને તેનું મોંઢુ ખરાબ રીતે છૂંદી નાંખવાનો પ્રયાસ થયો હતો કે જેથી લાશની ઓળખ ના થાય તેવું પોલીસ માની રહી છે. જો કે, યુવકની ઓળખ હજુ સુધી નહી થઇ હોઇ પોલીસે તેના વાલી-વારસો અને યુવકની ઓળખ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. સાથે સાથે યુવકની હત્યા કયા સંજોગોમાં અને કયા કારણસર કરાઇ તે દિશામાં પણ તપાસનો દોર આગળ ધપાવી પોલીસે હત્યારાઓને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. પોલીસે હાલ તો યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી અને આ સમગ્ર પ્રકરણમાં એફએસએલની પણ મદદ લઇ તપાસને આગળ ધપાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.