અમદાવાદ, તા.૧૩
ગુજરાતમાં નશાના પદાર્થના કેસમાં વધારો થયો છે. તે ચિંતાજનક છે એટલે રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરાશે. તેમજ કોલેજો અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ મુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવાશે એમ ગુનાખોરી અને નશાબંધીને લઈને રાજ્યના ગૃહમંત્રી અને ડીજીપીએ પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી. ગુનાખોરી અને નશાબંધીને લઈ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં શિવાનંદ ઝાએ કહ્યું હતું કે આ મામલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ કાર્યવાહી કરશે. ડ્રગ્સનો કાળો ધંધો કરવાની સાથે તેના ઉપયોગમાં ગુજરાત પણ હવે ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પાંચ વર્ષમાં રાજ્યના યુવાઓમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું હોવાનું માની રહી છે. પહેલા કાશ્મીરથી મુંબઇ કે રાજસ્થાન થઇને ગુજરાતમાં ડ્રગ્સ લવાતું અને અહીંથી કેરીયર મારફતે ડ્રગ્સ રીસીવરને અપાતું હતું. પરંતુ હવે કેરીયર તરીકે નાઇઝીરીયનનો ઉપયોગ ગુજરાતમાં વધી રહ્યો છે એવું માનવામાં આવે છે કે યુવાઓ પાર્ટીઓ કરવાના બહાને ગેરકાયદેસર ડ્રગ્સ ખરીદીને નશો કરી રહ્યા છે. જેમાં ગુજરાતનાં તમામ મોટા શહેરો મોખરે છે.
નાર્કોટિક્સ વિભાગના અધિકારી જણાવી રહ્યા છે. કે અમદાવાદમાં સૌથી વધુ યુવાઓ ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે વડોદરામાં ડ્રગ્સનું ચલણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેકટર હરીઓમ ગાંધીએ કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે ડ્રગ્સના ઘણા કેસ કર્યા છે. તેમાં ડ્રગ્સ રિસીવર અને કેરીયરની ધરપકડ કરી છે. અમે કરેલા કેસમાં વિદેશી નાગરિકોને પણ કેરીયર તરીકે ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં યુવાઓમાં સામાન્ય રીતે ડ્રગ્સનું પ્રમાણ ચોંકાવનારી રીતે વધુ છે. રાજ્યના તમામ મોટા શહેરમાં યુવાઓ ડ્રગ્સનો ઉપયોગ કરતાં હોવાનું પણ જાણવા મળ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૩થી સતત ગુજરાતમાં ડ્રગ્સની રેડમાં વધારો થઇ રહ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૩માં ૬,વર્ષ ૨૦૧૪માં ૭, વર્ષ ૨૦૧૫માં ૬, વર્ષ ૨૦૧૬માં ૯, વર્ષ ૨૦૧૭માં ૧૦ અને ચાલુ વર્ષના છ મહિનામાં જ ૬ રેડ થઇ ચૂકી છે. આ સમગ્ર આંકડા પરથી માલૂમ પડે છે કે, ડ્રગ્સ ગુજરાતના યુવાધનને કઇ રીતે બરબાદ કરી રહ્યું છે.