અંકલેશ્વર,તા.૨૮
મહારાષ્ટ્રનાં ધુલિયાથી અમદાવાદ તરફ જઈ રહેલી બસના ડ્રાઇવર-કંડક્ટર નશો કરેલી હાલતમાં હોવાની મુસાફરોએ ફરિયાદ કરી હતી.
જે બાદ એસ.ટી. બસ અંકલેશ્વર જીઆઇડીસી ડેપો ખાતે આવી પહોંચતાં તેમની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતાં બન્નેની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બસને અન્ય ડ્રાઈવર કંડક્ટર મારફત નિયમિત રૂટ ઉપર રવાના કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં ધુલીયાથી અમદાવાદ તરફ જતી એસ.ટી.બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અને આણંદના રહીશ પરેશ પટેલ અને ખેડાના વતની કંડક્ટર મહેન્દ્ર વાળા આજરોજ ફરજ ઉપર હતા. તેઓ મુસાફરો ભરીને અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. આ સમયે બંનેએ નશો કરેલો હોવાથી મુસાફરો ગભરાયા હતા. દરમ્યાન એક મુસાફરે ડ્રાઇવર-કંડક્ટર વિરૂદ્ધ ઓનલાઇન ફરિયાદ કરતા અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર એન.સી.રાઠોડને જાણ થઈ હતી.
એસ.ટી. બસ અંકલેશ્વર જીઆઇડીસી ડેપો ખાતે આવી પહોંચતાં ડ્રાઇવર પરેશ પટેલ અને કંડકટર મહેન્દ્ર વાળાને નશો કરેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. એસટી વિભાગ અંકલેશ્વર દ્વારા બંને વિરૂદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્નેની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે ડેપો મેનેજરે મુસાફરોનો સમય ન બગડે તે હેતુસર અન્ય ડ્રાઈવર કંડક્ટર મારફતે બસને નિયમિત રૂટ ઉપર રવાના કરી હતી