(સંવાદદાતા દ્વારા) પાટણ, તા. ર૩
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં મેઘપ્લાઝા કોમ્પલેક્ષમાં ચાલતી આરતી મેડિકલ એજન્સી નામની દુકાનમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે રૂા.૩,૯૮,૭૩૮ લાખ ઉપરાંતની નશીલી દવાઓના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી તેની સામે એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ આ દુકાનમાં નશીલી દવાઓનું અનધિકૃત વેચાણ થતું હોવાની બાતમી મળતાં એસઓજી પોલીસ ટીમે મેડિકલ એજન્સીમાં દરોડો પાડી હેરોઈનમાંથી બનતા કોડીન કન્ટેન્ટની ૧૦ પ્રકારની રપ૦૦ ઉપરાંત સીરપ બોટલ તેમજ ૯ પ્રકારની ૧૮,૦૦૦ ઉપરાંત નશીલી ટેબ્લેટ જેમાં આલ્ફાઝોન નામનું ડ્રગ્સ આવે છે તે ઉપરાંત પ્રતિબંધિત પેનકેબના નશીલા ૩પ ઈન્જેકશન મળી કુલ રૂા.૩,૯૮,૭૩૮ લાખ ઉપરાંતનો જથ્થો કબજે લઈ શહેરના સતીષભાઈ રમેશભાઈ મોદીને પકડી પાડ્યો હતો. એસઓજી પીએસઆઈ સી.બી. ચૌધરીએ જણાવ્યા મુજબ પકડાયેલા સતીષ મોદી પાસે દવા વેચવાનું લાયસન્સ નથી. તેમજ દવા લાવવા વેચવાના બિલો પણ મળ્યા નથી. આ દવાઓ નશીલી છે.