
પાટણ,તા.૧પ
રાધનપુર ખાતે છ પુત્રીઓ બાદ પુત્રને જન્મ આપનાર મુસ્લિમ સમાજની મહિલાનો નવજાત પુત્ર આસ્થા હોસ્પિટલમાંથી જન્મના કલાક બાદ જ મૃત્યુ પામી ગુમ થયો હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. આ બનાવની જાણ થતા જ લોકોના ટોળેટોળા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી આ સમગ્ર બનાવની ઉચ્ચ કક્ષાએથી તટસ્થ અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તેવી માગ કરી હતી. જયારે રાજકીય ઓથ ધરાવતા આ ખાનગી હોસ્પિટલના તબીબે જવાબદારીમાંથી છટકી જઈ બાળક મૃત જન્મ્યુ હોવાનું જણાવી જવાબદાર નર્સની બેદરકારીથી બિલાડી કે કૂતરૂં ખેંચી ગયા હોવાનું જણાવી બનાવ પર ઢાંક પિછોડો કરવાની કોશિષ કરી હતી. તો સ્ટાફે જન્મેલા બાળકને મૃતદેહ બાળી નાખ્યો હોવાનં કહેતા આસ્થા હોસ્પિટલમાંથી નવજાત બાળક ગુમનો આ બનાવ ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ હજુ સુધી આ નવજાત બાળકના કોઈ જ અવશેષો મળી નહીં આવતા ભારે રહસ્ય સર્જાયું છે. જયારે આ બાળકને વેચી નંખાયું અથવા તો માનવ તસ્કરીનો કેસ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાધનપુરના લીમડીવાસમાં રહેતા અને મજુરી કરી પરિવારનું ગુજરાન કરતા મહંમદ સાદીક બેલીમની પત્ની સલમાબેન ગર્ભવતી હોઈ ડિલિવરીનો દુઃખાવો ઉપડતા રાધનપુરના ભાભર હાઈવે પર આવેલ ભાજપના અગ્રણી અને પાલિકાના કોર્પોરેટર ડો. દેવજીભાઈ પટેલની આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જયાં સલમાબેનને છ દીકરીઓ પર પુત્રનો જન્મ થયો હતો. પુત્ર પ્રાપ્તિના સમાચાર આસ્થા હોસ્પિટલના સ્ટાફે આપતા આ પરિવારમાં ખુશાલી છવાઈ ગઈ હતી. પરંતુ આખુશી લાંબો ટાઈમ ટકી ન હતી. પરિવારજનોએ બાળકને જોવા માગતા સ્ટાફ દ્વારા ગલ્લા-તલ્લા કરી વાત ટાળવામાં આવી હતી. ત્યાર બાદ બાળક મૃત્યુ પામ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું આથી ભારે હૈયે પિતા મહંમદ સાદીકે આસ્થા હોસ્પિટલના જવાબદારો પાસે મૃત બાળકનો ઈસ્લામ ધર્મના રીત-રિવાજ મુજબ દફનવિધિ સહિતની ક્રિયા કરવા મૃતદેહ માગતા આપવાની ના પાડી મૃતદેહને બાળી નાખવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું. જયારે આસ્થા હોસ્પિટલના જ સ્ટાફના કેટલાક એવો ગણગણાટ કરતા હતા કે, બાળકને બિલાડી કે કૂતરૂં ખેંચી ગયા છે. આ ગણગણાટ મહંમદ સાદીકના કાને પડતા તેણે પોતાના સગાસબંધીઓને જાણ કરતા અને આસ્થા હોસ્પિટલમાંથી બાળક ગુમ થયાની વાત સમગ્ર રાધનપુર શહેરમાં પ્રસરતા લોકોના ટોળેટોળા હોસ્પિટલ પાસે એકઠા થઈ ગયા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો.
દરમ્યાન આ મામલે મહંમદ સાદીક અસલમભાઈ બેલીમે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આસ્થા હોસ્પિટલની નર્સ ડો. મીનાબેન સામે ગત મોડી રાતે આઈપીસી કલમ ૩૧૮, ર૦૧ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આજે દિવસ દરમ્યાન પોલીસની ટીમોએ હોસ્પિટલના અન્ય કર્મચારીઓના નિવેદનો લઈ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે પરિવારજનોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે બાળકને બાળી નાખવામાં આવ્યો હોય કે પછી તેને બિલાડી કે કૂતરૂં ખેંચી ગયા હોય તો આસ્થા હોસ્પિટલની આસપાસમાં તેના કોઈક અવશેષો કેમ મળતા નથી ? લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કોઈ ફુટેજ આવી નહી હોય ? અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલના માલિક એક મંત્રી સાથે નજીકનો ધરોબો ધરાવે છે. આ સમગ્ર બનાવની ઉચ્ચકક્ષાએથી તટસ્થ અને નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તો ઘણી જ ચોંકાવનારી હકીકતો આસ્થા હોસ્પિટલની બહાર આવે તેમ હોવાનું આજે રાધનપુરમાં છડેચોક સાંભળવા મળ્યું હતું.