અમદાવાદ, તા.રપ
નવરાત્રિમાં મહિલાઓની છેડતી કરતા ૮ રોમિયોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તહેવારોમાં ભીડનો લાભ લઈને છાકટા બનેલા રોમિયો અને લફંગાઓ ઝડપી પાડવા માટે અમદાવાદ મહિલા પોલીસે શહેરમાં વિવિધ સ્થળોએ ગોઠવેલી ટીમોના સકંજામાં આઠ રોમિયો ઝડપાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ નવરાત્રિ મહોત્સવ દરમિયાન અમદાવાદ શહેરમાં પાર્ટી પ્લોટ, ક્લબો, શેરીઓમાં ગરબાનું આયોજન થતું હોય છે. આ દરમિયાન સ્ત્રીઓની છેડતીના બનાવો ન બને તે માટે પોલીસે એકશન પ્લાન ઘડી કાઢી સઘન પેટ્રોલિંગ બંદોબસ્ત જાળવી આવા કોઈ બનાવો ન બને તે માટે સૂચના અપાઈ હતી. જેથી મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ/પશ્ચિમ અને એસ.ઓ.જી તથા સાયબર સેલના મહિલા અધિકારી/કર્મચારીઓને ડીકોયની બે ટીમ તથા મહિલા હેલ્પ લાઈન-૧૮૧ની ૧૦ ટીમો તેમજ અન્ય પ ટીમો બનાવી સમગ્ર અમદાવાદ શહેરમાં નવરાત્રીના ચોથો નોરતે પણ બંદોબસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડીકોયની ટીમોએ ખાણી-પીણીના બજારો, જાહેર જગ્યાઓ તેમજ ક્લબો અને વિવિધ ગરબાવાળી જગ્યાઓએ વોચ ગોઠવેલી હતી તે દરમિયાન મહિલા કર્મચારીઓને ટ્રેડીશનલ ડ્રેસમાં મોકલી ડીકોય ગોઠવતા ૮ યુવાનોને ડીકોયમાં મોકલેલ ટ્રેડીશનલ ડ્રેસવાળી મહિલાઓ સાથે સ્ત્રીની ગરીમાને ન છાઝે તેવું વર્તન કરતા મળી આવતા ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ વિરૂદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમ-પૂર્વ ખાતે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા પોલીસ દ્વારા આગામી નવરાત્રીના દિવસોમાં પણ આવી અસામાજિક પ્રવૃત્તિ કરતા યુવાનોને યુક્તિ પ્રયુક્તિથી પકડી પાડવામાં આવશે.