(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૪
વડાપ્રધાન મોદીએ જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ર૦૧૯ પછી પણ હું જ રહેવાનો છું અને ચૂંટણી બાદ એનડીએની જ સરકાર બનશે એટલે ચિંતા ના કરતા ભારત સરકારની કોઈ મદદની જરૂર હોય તો જણાવજો. આ સાથે તેમણે પાટીદારોને સોગંદ લેવડાવતા કહ્યું હતું કે, આપણે હવે ક્યારેય ભ્રૂણ હત્યા નહીં કરીએ. દીકરીઓને મારવાના પાપમાં નહિ પડીએ. નરેન્દ્ર મોદી આજે પાટીદારોની મેદની સમક્ષ પોતાના વક્તવ્યમાં દીકરીઓની ચિંતા કરતાં સોગંદ લેવડાવી સમાજમાં ભૂલથી પણ ભ્રૂણ હત્યાનું પાપ નહીં થાય તેમ જણાવી પાટીદાર ડોક્ટરોને પણ ભ્રૂણ હત્યા નહીં કરીએ તેવા સોગંદ લેવડાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમર્યું હતું કે, આજે રમત-ગમત હોય કે ધો.૧૦-૧રનું પરિણામ હોય સમાજનું ગૌરવ દીકરીઓ ઉજાળે છે. દીકરી હંમેશા સમાજમાં આગળ છે. સૌથી વધુ ગોલ્ડમેડલ પણ દીકરીઓ લાવે છે. વડાપ્રધાને કહ્યું કે, આપણા દેશમાં એક વર્ગ એવો છે, જેની માન્યતા એવી છે કે આ ધાર્મિક પ્રવૃતિઓ સમાજનું ભલું કરનારી નથી, થોડાક લોકોનું ભલું કરનારી છે. મને આવા લોકો માટે દયા માટે આવે છે. હજારો વર્ષોનો ઇતિહાસ છે, આપણો દેશ, સંતો મહંતો, ગુરૂઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો, ખેડૂતોના યોગદાનથી બન્યો છે. આ સઘળાનું બળ આપણી આધ્યાત્મિક પરંપરા બની છે. ગુલામીના કાળમાં પણ ૧૦૦૦-૧૨૦૦ વર્ષ સુધી આપણે આ લડાઈ લડી શક્યા, દેશની અસ્મિતા, સંસ્કૃતિ પરંપરા માટે મરજીવાઓની કતાર લાગી રહી તે કઈ પ્રેરણા હશે? આ દેશની આધ્યાત્મિક ચેતના છે. તેના કારણે પરિવર્તન પણ આવ્યું છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, પ્રયાગરાજના કુંભ મેળામાં દુનિયાના અગ્રગણ્ય અખબારો નાગા બાવા અને અખાડાઓનું જ વર્ણન કરવામાં પણ આ વખતે કુંભના મેળાની સ્વચ્છતાની નોંધ લેવાઈ. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કુંભનો મેળો સ્વચ્છ કેમ ન હોય, કુંભને ૧૦૦ વર્ષે સ્વચ્છ કરવાનું કામ અમને મળ્યું છે.
વડાપ્રધાને કહ્યું કે, દેશમાં ધીમી ગતિ ચાલે એમ નથી, નાનુ નાનું ચાલે એમ નથી, થાગડ થાગડ ચાલે એમ નથી. એટલે જ બધુ મોટું કર્યુ છે. અનેક લોકોને તકલીફ પડે છે. સરદાર પટેલનું મોટું સ્ટેચ્યૂ બન્યું. વીર જવાનો પરાક્રમ કરે તો નાનું શું કામ કરે મોટું કરે પાક્કુ, કરે અને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે. ભારતનો મિજાજ બદલાણો છે, ભારતનું મન બદલાણું છે અને એટલે જ સંકલ્પ સિદ્ધ કરી શકાય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આપણે યુવા પેઢીને વ્યસન, નશો, ખોટા રસ્તે આપણા બાળકો ન જાય તેની ચિંતા કરવી પડે, પૈસાના ભોગે આ પ્રકારની ચીજો ઘરમાં ઘુસી ન જાય તેની ચિંતા કરવી પડે. આ વાત હું એટલા માટે કરું છું કારણ કે પરિવારોમાં બાળકોને બચાવવું અઘરૂ છે.