(એજન્સી) તા.૧૯
૨૦૧૮માં નેશનલ એલિજીબિલિટી એન્ડ એન્ટરન્સ ટેસ્ટ (નીટ) પરીક્ષા આપનાર હજારો ઉમેદવારોના ફોન નંબર, ઇ-મેઇલ આઇડી અને સરનામા જો તમે રૂા.૨ લાખ ચૂકવવા તૈયાર હો તો ઓનલાઇન ઉપલબ્ધ છે. એમબીબીએસમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના ડેટા રીતસરના ઓનલાઇન વેચાઇ રહ્યા છે.
તમામ વેબસાઇટ આ ડેટાને મોં માગી કિંમતે ખાનગી કોલેજો અને દલાલોને વેચી રહી છે. વેબસાઇટ પર નીટ આપનાર ઉમેદવારોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે જેમાં વિદ્યાર્થીનું નામ, તેનો નીટ સ્કોર, રેંકિંગ, સંપૂર્ણ સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી જેવા લગભગ તમામ વિગતોનો સમાવેશ થાય છે. અલબત તમારે ફુલ ડેટા સુધી પહોંચ મેળવવા ખિસ્સા હળવા કરવાની તૈયારી હોવી જોઇએ.
વેબસાઇટ પ્રત્યેક અરજદારના મોબાઇલ નંબરના છેલ્લા ત્રણ આંકડા એડિટ કરે છે અને તે માટે તેઓ સિક્યોરિટીનું કારણ આપે છે પરંતુ વાસ્તવમાં ભાવિ એડવર્ટાઇઝર્સ, માર્કેટીયર્સ કે જેમને ડેટાની જરુર છે એવા દલાલો પેમેન્ટ કરે તેની ખાતરી માટે તેઓ આવું કરી રહ્યા છે. આમ સુરક્ષાના કારણોસર મોબાઇલ નંબરના છેલ્લા ત્રણ આંકડા દર્શાવતા નથી. આ સેવા રસ ધરાવતા ખરીદનારાઓને ડેટા સાચા છે કે કેમ તેની ચકાસણી કરવાની તક આપે છે.
ધ વાયર દ્વારા આ પ્રક્રિયા બે વખત હાથ ધરવામાં આવી હતી. ઓપરેટર ત્યાર બાદ વોટ્સએપ પર ડેટાનું પ્રિ-સેમ્પલ મેસેજ કરે છે. ત્યારબાદ ધ વાયરે વિદ્યાર્થીઓ અને નીટના અરજદારો સાથે વાત કરી હતી અને તમામે તેમની પર્સનલ વિગતોને સમર્થન આપ્યું હતું અને આ દ્વારા એવો નિર્દેશ મળ્યો હતો કે વેચવામાં આવી રહેલા ડેટા સાચા છે. ખરીદનારાઓ સંતુષ્ટ થાય એટલે ડેટાના દલાલો બે લાખ વિદ્યાર્થીઓના અંગત ડેટા માટે રૂા. ૨.૪ લાખનો ભાવ જણાવે છે અને એ ગણતરીએ કોઇ એક વ્યક્તિની માહિતી રૂા. ૧ કરતા થોડી વધુ કિંમતે ઉપલબ્ધ બને છે.
આ ડેટાનો સ્ત્રોત સ્પષ્ટ નથી. જો કે સંભવિત સ્ત્રોતમાં સીવીએસઇ, વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજો કે નીટ માટે તાલીમ અને તૈયારી કરાવતા ક્લાસીઝનું નેટવર્ક પણ હોઇ શકે છે. આ ડેટા બેઝ ખરીદનારાઓમાં કેટલીય યુનિવર્સિટીઓ, કોલેજો અને તેની તૈયારી કરાવતા શાળા અને ક્લાસીઝનો પણ સમાવેશ થાય છે કે જેઓ આ રીતના ડેટા ખરીદીને તેના આધારે નીટ કલીયર નહીં કરી શકનાર વિદ્યાર્થીઓનો સંપર્ક કરે છે અને એ રીતે પોતાના ક્લાસીઝમાં વિદ્યાર્થીઓને ભેળવે છે.
ડેટા વેચનાર વેબસાઇટ ક્લાયન્ટને ડેટાની શક્યતા તપાસવાની તક આપવા માટે પાંચ વિદ્યાર્થીઓના મોબાઇલ નંબર વિનામૂલ્યે જોવાની સુવિધા આપે છે. જો કે સમગ્ર લિસ્ટ મેળવવા માટે તેમણે ચૂકવણી કરવી પડે છે.