(એજન્સી) તા.૧૭
સપ્ટેમ્બર-૨૦૨૦માં યોજાનારી નેશનલ એલિજિબિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ NEET) અને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (NEET)ની પરીક્ષાઓ મોકૂફ રાખવાની દાદ માંગતી એક અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને આ બંને મહત્ત્વની પરીક્ષાઓના આયોજનને લીલી ઝંડી આપી દીધી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જારી કરાયેલી નોટિસ મુજબ હવે JEEની મેઈન એક્ઝામ ૧થી ૬ સપ્ટેમ્બર વચ્ચે યોજાશે જ્યારે NEETની પરીક્ષા ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાશે.
ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે, આ પરીક્ષાઓ મોકૂફ રાખવાની વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં આવી જશે. કોવિડ-૧૯ના આ કપરા સંજોગોમાં પણ જીવન તો આગળ જ વધવું જોઈએ. શું આપણે પરીક્ષાઓ મોકૂફ રાખી શકીએ ખરા ? આપણે જીવનમાં આગળ વધવું જોઈએ, એમ ન્યાયમૂર્તિ મિશ્રાએ અરજદારની અરજીને ફગાવતા કહ્યું હતું.
જો પરીક્ષાઓ નહીં યોજાય તો તેનાથી રાષ્ટ્રને નુકસાન નહીં જાય ? એમ વળતો પ્રશ્ન પૂછતા ન્યાયમૂર્તિ મિશ્રાએ અવલોકન વ્યક્ત કર્યું હતું કે, વિદ્યાર્થીઓને આખુ શૈક્ષણિક વર્ષ ગુમાવવાની નોબત આવી શકે છે. શું તમે એવી માગણી નથી કરતા કે કોર્ટો ફરીથી ખુલી જવી જોઈએ ? તો પછી પૂરતી સાવચેતી સાથે પરીક્ષાઓનું આયોજન કેમ હાથ ધરી ન શકાય ?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી વતી દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ખાતરી આપી હતી કે પરીક્ષાઓ તો યોજાવી જ જોઈએ અને તે માટે પૂરતી સાવચેતીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. અરજદાર વતી દલી કરી રહેલા એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવને એવી દલીલ કરી હતી કે, કોવિડ-૧૯નું જોખમ દિવસે- દિવસે વધતું જાય છે, તે ઉપરાંત ઝ્રછ અને ઝ્રન્છ્ની પરીક્ષાએ પણ રદ્દ કરી દેવામાં આવી છે. તેમની આ દલીલ સામે ન્યાયમૂર્તિ મિશ્રાએ વળતો વેધક પ્રશ્ન કર્યો હતો કે, તમે એવું કેવી રીતે ધારી લીધું કે, સત્તાવાળાઓ પ્રવર્તમાન પરિસ્થિતિથી અજાણ હશે. જવાબમાં એડવોકેટ આલોકે દલીલ કરી હતી કે, કોવિડ-૧૯ની રસી ટૂંક સમયમાં જ આવી રહી છે. વડાપ્રધાને પણ તેમના ૧૫મી ઓગસ્ટના ભાષણમાં તે અંગે જાહેરાત કરી હતી. અમે અચોક્કસ મુદત માટે પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગણી નથી કરતાં પરંતુ હાલ પૂરતા થોડો સમય માટે આ પરીક્ષાઓનું આયોજન મોકૂફ રાખવામાં આવે એવી અમારી માગણી છે. જો કે, બેંચને તેમની આ દલીલ ગળે ઉતરી નહોતી અને કહ્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા જે નિર્ણય લેવાયો છે તેમાં તે સહેજપણ હસ્તક્ષે કરશે નહીં, તે સાથે બેંચે ઉમેર્યું હતું કે, સોલિસિટર જનરલે પૂરતી સાવચેતી સાથે પરીક્ષા યોજાશે એવી જે દલીલ કરી હતી તેને રેકોર્ડ ઉપર લેવામાં આવે છે.