અમદાવાદ, તા.૧૯
અમદાવાદ પોલીસે જમિયત ઉલેમા-એ-હિન્દને ઈઝરાયેલ વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે વિરોધ પ્રદર્શનો યોજવાની પરવાનગી કોઈપણ કારણો જણાવ્યા વિના આપવાનો ઈન્કાર કર્યો હતો.
જેયુએચ દ્વારા બહાર પડાયેલ પ્રેસ નોંધ મુજબ પોલીસે જમિયત દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદને પણ અવરોધવા પ્રયાસો કર્યા હતા જે જેયુએચની ઓફિસ ખાનપુર ખાતે યોજાવાની હતી. પોલીસોની મોટી સંખ્યામાં ખાનપુર ખાતે ખડકી દેવાયો હતો.
વધુમાં પોલીસે જમિયતના જિલ્લા જનરલ સેક્રેટરી મુફતી અરશદની અટકાયત પણ કરી હતી અને એમને ત્રાસ આપ્યો હતો. જમિયતના પ્રવકતા અઝીમુલ્લા સિદ્દીકે જણાવ્યું હતું કે મુફતી અરશદની મુક્તિ સાંજે ૪ વાગે કરાઈ હતી જ્યારે પોલીસ સ્ટેશને ડેલિગેશન પહોંચ્યું હતું.
જો કે, આના દ્વારા જમિયતના એજન્ડાને કોઈ રોકી શક્યો ન હતો. મૌલાના મહમૂદ મદનીના નિર્દેશો મુજબ જેયુએચના ગુજરાત ખાતેના નેતાઓ એમની ઓફિસમાં બેનરો અને પ્લેકાર્ડો સાથે ભેગા થયા હતા. એમણે નેતાન્યાહુનો વિરોધ કર્યો હતો. જમિયતે પત્રકાર પરિષદ પણ યોજી હતી.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં જેયુએચ નેતાઓએ શહેર પોલીસના વહીવટની તીવ્ર આલોચના કરી હતી. પોલીસે અમારો વિરોધ પ્રદર્શનનો મૂળભૂત અધિકાર છીનવ્યો હતો. એમણે કહ્યું કે, જો દિલ્હી અને મુંબઈમાં વિરોધ પ્રદર્શનો માટે મંજૂરી આપી શકાય તો અમદાવાદમાં કેમ નહીં. આ કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી કરાઈ છે. અમને ઓફિસમાં પૂરી રખાયા અને બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
જેયુએચના નેતાઓએ જણાવ્યું કે, અમે એવા દેશના વડાનું સન્માન નહીં કરી શકીએ જેના હાથ લોહીથી ખરડાયેલ હોય. આ જમીન મહાત્મા ગાંધી જેવા મહા પુરૂષોની છે. મહાત્મા ગાંધીએ વિસ્તારવાદી અને ક્રૂર વિચારધારા ધરાવનાર ઈઝરાયેલનો વિરોધ એમના જીવનના અંતિમ ક્ષણો સુધી કર્યો હતો અને હવે એના વારસદારો દેશની આ પ્રથા સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
આ દુઃખની વાત છે કે, દાયકાઓથી આપણા દેશના નેતાઓએ આ પ્રકારના બળો સામે વિરોધો કર્યા અને પોતાના જીવની આહુતિઓ આપી એ જ દેશના નેતાઓ સાથે અમારા દેશના નેતાઓ હાથ મિલાવી રહ્યા છે. આ છેતરપિંડી છે અને અમારા દેશની પરંપરાનું અપમાન છે. એવા દેશના વડાપ્રધાનનું સ્વાગત કેવી રીતે કરાય જે નિર્દોષ બાળકોની હત્યાઓ કરાવી રહ્યા છે અને એ પણ તેવા સમયે જ્યારે અમે આવતા વર્ષે જલિયાવાલા બાગના સામૂહિક હત્યાકાંડની ૧૦૦મી તિથિ ઉજવવાના છીએ.
પત્રકાર પરિષદમાં સંબોધન કરનારાઓમાં મૌલાના હકીમુદ્દીન કાસમી, નિસાર અહમદ અન્સારી, મુફતી અસજદ કાસમી અને અન્ય નેતાઓ હતા.
પોલીસ સામે વધુ આક્ષેપ મૂકતા જેયુએચના નેતાઓએ કહ્યું કે અમારી પત્રકાર પરિષદને અટકાવવા પોલીસે ખોટી રીતે પત્રકારોને સૂચનાઓ મોકલાવી કે પત્રકાર પરિષદ રદ કરવામાં આવી છે. અમોએ કોઈને આ પ્રકારના ફોન કર્યા ન હતા. પોલીસે જો કે આક્ષેપોનો ઈન્કાર કર્યો હતો.