અમદાવાદ, તા.૭
ગાંધીનગરમાં જનતા રેડ પાડનારા હાર્દિક, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાતા શનિવારે હોબાળો થયો હતો. ત્રણેય યુવા નેતાઓ ધરપકડ વ્હોરવા માટે એસપી કચેરીએ ગયા હતા. પરંતુ પોલીસે ધરપકડ ના કરતાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ આ કેસમાં તટસ્થ તપાસની માંગ સાથે ત્રણેય યુવા નેતાઓ ધરણા ઉપર બેસી ગયા હતા. આ ધરણાં કાર્યક્રમને લઈને પોલીસ પણ બેકફૂટ ઉપર આવીને આ કેસમાં તટસ્થ તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. બનાવની વિગત એવી છે કે ગાંધીનગરમાં એસપી કચેરીની નજીકમાં જ જનતા રેડ પાડીને હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે દારૂ પકડયો હતો. આ મામલે જેના ઘરમાં જનતા રેડ પાડી હતી તે મહિલાએ ત્રણેય યુવા નેતાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મહિલાએ દાવો કર્યો હતો કે તેના ઘરેથી મળેલા દારૂના પાઉચ તેના નથી તેમજ આ ત્રણેય યુવા નેતાઓએ તેના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ખોટા પૂરાવા ઊભા કરવા અને તેની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાથી તેમની સામે ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે ત્રણેય નેતાઓ ધરપકડ વ્હોરવા એસપી કચેરી ગયા હતા પરંતુ ગાંધીનગર એસપી સાથે કરેલી બેઠકમાં કોઈ નિરાકરણ ના આવતા ત્રણેય નેતાઓ એસપી કચેરીની બહાર ધરણાં કરવા બેસી ગયા હતા તેમજ ફરિયાદી મહિલા અને તેના પતિની ધરપકડ કરવાની માંગ કરી હતી. જેને લઈને ગાંધીનગર એસપીએ મીડિયાને જણાવ્યું હતું કે, દારૂના પાઉચ મળવા મામલે મહિલાએ દાવો કર્યો છે કે તે દારૂના પાઉચ તેના નથી. જો કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરાશે. હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ મેવાણીના આક્ષેપો સાચા છે કે મહિલાએ કરેલા આક્ષેપો સાચા છે ? તે મામલે એલસીબી તટસ્થ તપાસ કરશે. ધારાસભ્યો અને તેમના સાથીઓએ લગાવેલા આક્ષેપોની તટસ્થ તપાસ થશે. ફરિયાદી મહિલાના ઈતિહાસની પણ તપાસ થશે. એસપીના નિવેદન બાદ ત્રણેય યુવા નેતાઓએ ધરણા સમેટી લીધા હતા. આ ત્રણેય યુવાઓના ધરણામાં ગુજરાત વિધાનસભાના વિપક્ષીના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા. તેમણે પણ દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર હોવાની વાત કરીને આ કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આમ અમદાવાદના લઠ્ઠાકાંડની શક્યતાને પગલે ત્રણેય યુવા નેતાઓએ પાડેલી જનતા રેડને લીધે પોલીસની આબરૂના ધજાગરા થયા હતા. ત્યારે ત્રણેય યુવા નેતાઓ સામે જ ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો હતો. આ ત્રણ કલાક જેટલો સમય એસપી કલેકટર કચેરીમાં હોબાળો મચી ગયો હતો.