રેશનિંગની કૂપનની ઓનલાઈન પ્રક્રિયા માટે જંગલની ઊંચી ટેકરીઓ પર ચઢી નેટવર્ક શોધવું પડે છે !!

અમદાવાદ, તા.૩
‘સ્માર્ટ સિટી’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ની વાતો વચ્ચે જાણે કે વિકાસ કેટલાક વિસ્તારો અને લોકો સુધી સિમિત હોય તેવું ચિત્ર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કેટલાક ગામડાઓમાં સામે આવ્યું છે જ્યાં રાશન મેળવવા માટે ગરીબ લોકોએ ઊંચા પર્વતીયાળ વિસ્તારોમાં જવું પડે છે. કેમ કે, ગામમાં કોઈપણ જગ્યાએ મોબાઈલ નેટવર્ક ન આવતા રેશનિંગ માટેની ઓનલાઈન પ્રોસેસ થઈ શકતી નથી. સરકારે રેશનિંગની દુકાનોમાં રાહત દરે મળતો સામાન ખરીદવા માટે ઓનલાઈન વેરિફિકેશન સિસ્ટમ ફરજિયાત બનાવી દીધી છે. જો કે, આ સિસ્ટમ લાગુ કરતા પહેલાં કદાચ એ એવું કોઈ અધિકારીએ નહીં વિચાર્યું હોય કે, જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી કે પછી મોબાઈલ નેટવર્ક જ નથી, ત્યાં આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે ? કંઈક આવું જ થઈ રહ્યું છે વલસાડના કપરડા તાલુકામાં. કંઈક આવું જ થઈ રહ્યું છે વલસાડ જિલ્લાના કપરડા તાલુકામાં. જ્યાં ગાઢ જંગલો વચ્ચે આવેલા દસ ગામોના લોકોને રેશનિંગનો સામાન ખરીદવાની કુપન ઈશ્યૂ કરવા દુકાનદારોએ કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ફિગર પ્રિન્ટ સ્કેનર સાથે લઈને ગાઢ જંગલોમાં નેટવર્ક મળે તેવી જગ્યા શોધવા રઝળપાટ કરવો પડે છે. આ દુકાનદારો ગામના લોકોને સાથે લઈ આ બધા સામાન સાથે ટેકરીઓ પર ચઢે છે, અને નેટવર્ક શોધે છે. ત્યારે ગાઢ જંગલોમાં કલાકોની રઝળપાટ બાદ નેટવર્ક મળતાં ઓનલાઈન વેરીફિકેશન અને કૂપન ઈશ્યુ થાય છે ત્યારબાદ આ કૂપનો લઈ ગામલોકોને ફરીથી એટલું જ ચાલીને રેશનની દુકાન સુધી જવું પડે છે. વલસાડથી ૬૦ કિ.મી.ના અંતરે આવેલા ૧૦ જેટલા ગામો કે જેની વસ્તી ૧૦ હજારથી વધુ છે ત્યાંં આ સમસ્યા ઊભી થઈ છે.
કરચોડ ગામના સરપંચ ભીખા વાલાઈનું કહેવું છે કે, ગામના લોકોને ફોન કરવામાં તો સમસ્યા નથી થતી, પરંતુ કુપન લેવા માટે દુકાનદારની સાથે કોઈ ટેકરી પર ચઢવું પડે છે. કનેક્ટિવિટી ન હોવાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મેડિકલ ઈમરજન્સીમાં તો સ્થિતિ ઘણી ગંભીર બની જાય છે.
પાસે જ આવેલા દહીખેડ ગામની પણ આવી જ હાલત છે. ક્યારેક તો કોઈ મેડિકલ ઈમરજન્સી હોય ત્યારે ૧૦૮ને ફોન કરવા માટે પણ ટેકરી પર ચઢવું પડે છે. વળી, એમ્બ્યુલન્સ ન આવી જાય ત્યાં સુધી ફોન ચાલુ રાખવો પડે છે, જેથી ઓથેન્ટિફિકેશન થઈ શકે. ગામના સરપંચ ગજુ કરડોડિયા અને તેમના પત્ની આ અંગે અનેક રજૂઆતો પણ કરી ચૂક્યા છે, પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવ્યું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અંગે કપરડા તાલુકાના સબ-ડિવિજનલ મેજિસ્ટ્રેટ મહેશ પટેલનું કહેવું છે કે, આ અંગે તેમણે બીએસએનએલ સહિતના સર્વિસ પ્રોવાઈડર્સને વાત કરી છે, અને કોઈ સોલ્યુશન કાઢવા તેઓ કામ કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks