નવી દિલ્હી,તા.૭
દેશભરનાં નાગરિકોને ટૂંક સમયમાં જ ૨૦ રૂપિયાના મૂલ્યનો ચલણી સિક્કો જોવા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં આ સિક્કો રિલીઝ કર્યો હતો. એમની સાથે કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી પણ હતા. ભારત સરકારે આ પહેલી જ વાર ૨૦ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. આ સિક્કો ગોળાકાર નથી. તે પોલીગોન આકારમાં છે. એટલે કે સિક્કાને ૧૨ ખૂણા છે. ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૯માં ૧૦ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. ત્યારબાદ એણે ચલણનો કોઈ સિક્કો બહાર પાડ્યો નહોતો.
નવા સિક્કાની બહારની બાજુમાં અશોક સ્તંભના પ્રતિક સિંહ છે. એની બરાબર નીચેના ભાગે ‘સત્યમેવ જયતે’ અંકિત કરવામાં આવ્યું છે. જમણી બાજુએ હિંદીમાં ભારત લખવામાં આવ્યું છે અને ડાબી બાજુમાં અંગ્રેજીમાં ઈન્ડિયા લખ્યું છે. એની બીજી બાજુમાં મૂલ્ય ૨૦ લખવામાં આવ્યું છે. તે ઉપરાંત એની પર રૂપિયાનું પ્રતિક પણ દર્શાવવામાં આવ્યું છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે એ દર્શાવવા માટે અનાજની ડિઝાઈન આપવામાં આવી છે. એની નીચે હિંદી અને અંગ્રેજીમાં ૨૦ રૂપિયા લખવામાં આવ્યું છે.
નાણાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ૨૦ રૂપિયાના મૂલ્યનો સિક્કો ૮.૫૪ ગ્રામ વજનનો છે અને આકારમાં, એનો વ્યાસ ૨૭ એમએમ છે. એની બહારની કિનારી નિકલ સિલ્વરની છે અને મધ્ય ભાગ નિકલ બ્રાસનો છે. અન્ય ચલણી સિક્કાઓ કરતાં આ સિક્કો દેખાવમાં અલગ પ્રકારનો છે. વડા પ્રધાન મોદીએ આજે અત્રે ૭, લોકકલ્યાણ માર્ગ સ્થિત એમના સત્તાવાર નિવાસસ્થાને ૨૦ ઉપરાંત ૧, ૨, ૫ અને ૧૦ રૂપિયાનાં નવા સિક્કાઓને પણ રિલીઝ કર્યા હતા. આ પ્રસંગે એમણે દ્રષ્ટિ દિવ્યાંગ બાળકોને પણ બોલાવ્યા હતા. ૨૦ રૂપિયા ઉપરાંત ૧, ૨, ૫ અને ૧૦ રૂપિયાના મૂલ્યના સિક્કાઓની પણ નવી શ્રેણી બહાર પાડવામાં આવશે. આની તારીખ હજી જાહેર થવાની બાકી છે. ૧૦ રૂપિયાના નવા સિક્કાનો આઉટર ભાગ ૨૭ એમએમ વ્યાસનો હશે અને એનું વજન ૭.૭૪ ગ્રામ છે. પાંચ રૂપિયાનો સિક્કો ૨૫ એમએમ વ્યાસનો અને ૬.૭૪ ગ્રામ વજનનો છે. ૧ અને બે રૂપિયાના મૂલ્યના નવા સિક્કાનું વજન અનુક્રમે ૩.૦૯ ગ્રામ અને ૪.૦૭ ગ્રામ છે. આ બંનેનો વ્યાસ અનુક્રમે ૨૦ એમએમ અને ૨૩ એમએમ છે.