Ahmedabad

નવી દિલ્હીમાં ૭૦૬૬ ચો.મી.માં ૬૯ રૂમ્સ સાથેનું ગુજરાત સદન બનશે

ગાંધીનગર,તા.રપ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં અકબર રોડ પર નવા નિર્માણ પામનારા ગુજરાત સદનની શિલાન્યાસ વિધિ કરી હતી. તેમણે નવી દિલ્હીના હાર્દસમા આ વિસ્તારમાં ૭૦૬૬ ચો.મીટર જમીનનો પ્લોટ ગુજરાત સદનના નિર્માણ માટે આપવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શહેરી વિકાસ મંત્રાલયનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. આ ભૂમિપૂજન વિધિ વેળાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રમણ વોરા, કેન્દ્ર સરકારમાં ગુજરાતના રાજયમંત્રીઓ પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, હરીભાઈ ચૌધરી અને જશવંતસિંહ ભાભોર તેમજ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા ભવનનું નિર્માણ નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કોર્પોરેશન દ્વારા હાથ ધરાવાનું છે. એનબીસીસીના અધિકારીઓએ મુખ્યમંત્રીને નવા ગુજરાત સદનના પ્લાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ૬૯ રૂમ્સ, મીટિંગ રૂમ અને લોન્જની સુવિધા સાથેના આ ગુજરાત સદનનું નિર્માણ ૧૮ માસમાં પૂર્ણ કરાશે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહે નવું ગુજરાત સદન દિલ્હી આવનારા ગુજરાતીઓની નિવાસ સુવિધા માટેની જરૂરિયાત પૂર્તિ કરનારૂ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.