Site icon Gujarat Today

અમદાવાદના નવા મેયર બીજલ પટેલ જ્યારે દિનેશ મકવાણા ડેપ્યુટી મેટર

અમદાવાદ,તા.૧૪
ગુજરાતની આર્થિક રાજધાની ગણાતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સળંગ ૪૧માં મેયર અને પાંચમાં મહિલા મેયર બનવાનું ગૌરવ પાલડી વોર્ડનાં કોર્પોરેટર બીજલબહેન પટેલને પ્રાપ્ત થયું છે. આજે સવારે ૧૧ વાગ્યે મળેલી સામાન્ય સભામાં વિદાય લેતા મેયર ગૌતમ શાહે નવાં મેયર બીજલબહેન પટેલને મેયરને સ્થાને ભારે હર્ષોલ્લાસ સાથે સત્તારૂઢ કર્યાં હતાં. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મણિનગર વોર્ડના કોર્પોરેટર અમૂલ ભટ્ટ, ડેપ્યુટી મેયર પદે સૈજપુર બોઘાના કોર્પોરેટર દિનેશ મકવાણા, શાસકપક્ષના નેતા પદે વાસણા વોર્ડના કોર્પોરેટર અમિત શાહ અને શાસક પક્ષના દંડક પદે વેજલપુર વોર્ડના કોર્પોરેટર રાજુ ઠાકોર (મુખી)ની ભાજપ મોવડીમંડળ દ્વારા વરણી કરાઇ હતી. ભારે ઉત્તેજના, સ્પર્ધા અને અનેક અટકળો વચ્ચે ભાજપ મોવડીમંડળ દ્વારા નામો જાહેર કરાતાં અમ્યુકોના નવા હોદ્દેદારોના સસ્પેન્સનો અંત આવ્યો હતો. ગત ઓકટોબર, ર૦૧પની સામાન્ય ચૂંટણીમાં ભાજપે હેટ્રિક નોંધાવીને સતત ત્રીજીવાર કોર્પોરેશનમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યાં હતાં. તે વખતે મેયર પદે ગૌતમ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પ્રવીણ પટેલ સહિત ટોચના પાંચ હોદ્દેદારોએ પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે પોતાની ફરજ સંભાળી હતી. જોકે આ ટોચના હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થવાથી આજે બીજી અને અંતિમ ટર્મના ટોચના હોદ્દેદારોની ચૂંટણી માટે સવારે ૧૧ વાગ્યે સામાન્ય સભા બોલાવાઇ હતી. મ્યુનિસિપલ તંત્રના પ્રોરેટા મુજબ નવી ટર્મમાં મેયરનું પદ જનરલ કેટેગરી માટેનું હોવાથી શહેરના પાંચમા મહિલા મેયર બનવા માટે ભાજપમાં ભારે રસાકસીભર્યો માહોલ હતો. જોકે ભાજપ મોવડીમંડળ દ્વારા જૂની ટર્મના રિક્રિએશનલ કમિટીના ચેરપર્સન બીજલબહેન પટેલની મહિલા મેયર પદે પસંદગી કરાતાં તેઓ આજની સામાન્ય સભામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના મેયરપદનાં ઉમેદવાર અને લાંભા વોર્ડનાકોર્પોરેટર પલકબહેન પટેલને બહુમતીના આધારે હરાવીને વિજેતા જાહેર થયાં હતાં. જ્યારે ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં સૈજપુર બોઘાના કોર્પોરેટર દિનેશ મકવાણાએ કોંગ્રેસના ડેપ્યુુટી મેયરપદના ઉમેદવાર અને અમરાઇવાડીના કોર્પોરેટર બળદેવ દેસાઇને હરાવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીના કુલ બાર સભ્ય માટે ભાજપ તરફથી ૧પ સભ્યોએ ફોર્મ ભર્યાં હતાં. જેમાં પ્રથમ નામ માટે મણિનગર વોર્ડના કોર્પોરેટર અમૂલ ભટ્ટની ભાજપ મોવડીમંડળ દ્વારા પસંદગી કરાઇ હતી. જ્યારે ભાજપના અમિત શાહ, રશ્મિકાંત શાહ અને રમેશ દેસાઇ એમ કુલ ત્રણ સભ્યોએ પોતાનાં ફોર્મ પરત ખેંચ્યાં હતાં. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે અમૂલ ભટ્ટની વરણી કરવા ટૂંક સમયમાં નવી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની બેઠક યોજાશે જેમાં તેમને સર્વાનુમતે ચૂંટી કઢાશે.
તેઓ પ્રવીણ પટેલનું સ્થાન લેશે. વાસણા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયર અમિત શાહને પક્ષના નવા નેતા તરીકેની જવાબદારી સોંપાઇ છે. હાલના નેતા બિપિન સિક્કાની જગ્યાએ તેઓ પક્ષના નેતાની ફરજ સંભાળશે. આજે સવારે નવ વાગ્યાના નિર્ધારિત સમયે મ્યુનિસિપલ ભાજપની એજન્ડા બેઠકમાં મોવડીમંડળના નિરીક્ષકો, ટોચના હોદ્દેદારો મેન્ડેટ લઇ આવવાના હતા પરંતુ પક્ષના નિરીક્ષકો આઇ.કે. જાડેજા અને સુરેન્દ્ર પટેલ નિર્ધારિત સમયથી પોણો કલાક મોડા આવતાં અનેક પ્રકારના તર્ક વિર્તક થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઝોનવાઇઝ ટોચના ઉમેદવારોનું પ્રતિનિધિત્વ તપાસતાં પશ્ચિમ અમદાવાદ એટલે કે પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનને સૌથી વધુ ત્રણ ટોચના હોદ્દેદાર મળ્યા છે. બીજલબહેન પટેલ, અમિત શાહ પશ્ચિમ ઝોનના છે તો રાજુ ઠાકોર (મુખી) નવા પશ્ચિમ ઝોનના છે. જ્યારે દક્ષિણ ઝોનમાંથી અમૂલ ભટ્ટની અને ઉત્તર ઝોનમાંથી દિનેશ મકવાણાની પસંદગી કરાઇ છે. કોર્પોરેશનના મધ્ય ઝોન અને પૂર્વ ઝોનને ટોચના હોદ્દેદારોમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. જ્યારે જ્ઞાતિ મુજબ સમીકરણ જોતાં જૈન સમાજ, બ્રાહ્મણ, પટેલ, ઓબીસી અને દલિત સમાજમાંથી એક એક ટોચના ઉમેદવારની પસંદગી કરીને ભાજપ મોવડીમંડળે આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે પણ આ નામો પર પસંદગીની મ્હોર મારી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Exit mobile version