વેલિંગ્ટન,તા. ૧૬
વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પાંચમાં અને અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડે જોરદાર વાપસી કરીને આ મેચ જીતી લીધી હતી. જીતવા માટેના ૨૧૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે ઝડપથી બેટીંગ કરીને ૨૧૭ રન બનાવીને મેચ જીતી લીધી હતી અને આની સાથે જ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે લાથમની પસંદગી કરવામાં આવી હતી. આ ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડે સાત વિકેટે જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બીજી ઈનીંગ્સમાં કેપ્ટન વિલિયમ્સને અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા. વિલિયમ્સને ૧૫ ચોગ્ગાની મદદથી માત્ર ૯૦ બોલમાં આ રન બનાવીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ન્યૂઝીલેન્ડે જીતવા માટેના લક્ષ્યાંકનો ૫.૪૭ રનની સરેરાશ સાથે પીછો કર્યો હતો. ટેલરે પણ તોફાની ૬૦ રન બનાવ્યા હતા. અગાઉ બાંગ્લાદેશની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૧૬૦ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
બાઉન્સરથી ગંભીર રીતે ઘવાયેલો રહીમ હોસ્પિટલમાં
વેલિંગ્ટન, તા.૧૬
બાંગ્લાદેશના બેટ્સમેન રહીમ સોથીના એક બાઉન્સરથી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બાંગ્લાદેશની બીજી ઈનિંગમાં રહીમ જ્યારે ૧૩ રને બેટીંગ કરી રહ્યો હતો ત્યારે સોથીનો એક બાઉન્સર તેના કાનની નીચે વાગ્યો અને તે પડી ગયો. મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવી પડી અને તેને હોસ્પિટલ લઈ જવાયો.