National

NIAમાં લાંબા કાર્યકાળ બાદ મોદીના માનીતાને હવે વિજિલન્સ કમિશનર બનાવવામાં આવ્યા

(એજન્સી) તા.૧૨
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના (NIA) પૂર્વ વડા શરદકુમારની સેન્ટ્રલ વિજીલન્સ કમિશનમાં (કેન્દ્રીય તકેદારી આયોગ)વિજીલન્સ કમિશનર તરીકે નિમણૂક થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ હમણાં એક મહિના પહેલા જ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં (એનએચઆરસી) સભ્ય તરીકે તેમની સૂચિત નિયુક્તિનો રાષ્ટ્રીય અને રાજ્ય માનવ અધિકાર સંસ્થાઓ સાથે કામ કરતા એનજીઓ અને વ્યક્તિઓના ઓલ ઇન્ડિયા નેટવર્કે વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનાથી ખોટા સંકેતો જશે અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોનો ભંગ થશે.
૧૯૭૯ની બેચના હરિયાણા કેડરના આઇપીએસ અધિકારી એવા ૬૨ વર્ષના શરદકુમાર એનઆઇએમાં ચાર વર્ષ કામ કર્યા બાદ તેના વડા તરીકે સપ્ટે.૨૦૧૭માં નિવૃત્ત થયા હતા. શરદકુમારને ઉચ્ચ હોદ્દા આપવાનો વિરોધ કરતા નેટવર્કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સુપરત કરેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે એવું મોટા ભાગે માનવામાં આવે છે કે શરદકુમાર વર્તમાન સરકારની નિકટ છે અને એનઆઇએ વડા તરીકે બે વર્ષનું એક્સટેન્શન તેને પૂરતી રીતે યથાર્થ ઠરાવે છે. વધુમાં નોંધનીય છે કે શરદકુમારની જુલાઇ ૨૦૧૩માં એનઆઇએના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂૂક થઇ હતી અને ઓક્ટો.૨૦૧૫માં સેવા નિવૃત્તિ વખતે એક જ દિવસ અગાઇ એનઆઇએ વડા તરીકે તેમની પુનઃ નિમણુક કરાઇ હતી જે એક અભૂતપૂર્વ અને સવાલો ઊભા થાય એવું પગલું હતું.
સત્તાવાર આદેશ અનુસાર શરદકુમારની વિજીલન્સ કમિશનર તરીકે ચાર વર્ષની સમયાવધિ માટે અથવા તો તેઓ ૬૫ વર્ષ થાય ત્યાં સુધી નિમણૂક કરવામાં આવી છે. એનઆઇએ વડા તરીકેના છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન તેમની કાશ્મીર આતંકી ભંડોળ કેસના ઇન્ચાર્જ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે એનઆઇએના વડા તરીકે પણ તેમની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં શરદકુમારની નિમણૂક કરવાના અગાઉના પ્રયાસોનો એનજીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એનઆઇને વડા તરીકે હિંદુત્વ જૂથોને સંડોવતા આતંકી કેસો જે રીતે બંધ કરવામાં આવ્યા હતા તે જોતા એનજીઓએ એનઆઇએના વડા તરીકે તેમની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા.

કાશ્મીર ટેરર-ફન્ડિંગ કેસ સંભાળતા
NIAના પૂર્વ વડાની CVC તરીકે નિમણૂક

(એજન્સી) તા.૧૨
રવિવારે સેન્ટ્રલ વિજીલન્સ કમિશનમાં એનઆઇએના પૂર્વ વડા શરદકુમારની નવા વિજીલન્સ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ૬૨ વર્ષના કુમાર હરિયાણા કેડરની ૧૯૭૯ની બેચના આઇપીએસ અધિકારી છે કે જેઓ સપ્ટે.૨૦૧૭માં એનઆઇએના વડા તરીકે ચાર વર્ષ કામ કર્યા બાદ નિવૃત્ત થયા હતા.
બરેલીના શરદકુમાર બેચલર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવે છે અને એનઆઇએના વડા તરીકે ૩૦ જુલાઇ ૨૦૧૩ના રોજ નિમણૂક કરવામાં આવી હતી અને નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એનડીએ સરકારે બે વખત વાર્ષિક એક્સટેન્શન સાથે કોન્ટ્રેક્ટના ધોરણે તેમની પુનઃ નિમણૂક કરી હતી જે બ્યુરોક્રેટીક સિસ્ટમમાં જવલ્લે જ બને છે.
શરદકુમારની હરિયાણામાં ંડાયરેક્ટર જનરલ ઓફ પ્રિઝન તરીકે પણ નિમણૂક કરવામાં ંઆવી હતી અને હરિયાણામાંથી તેઓ એવા બીજા આઇપીએસ અધિકારી હતા કે જેમને આતંકવાદ વિરોધી લો એન્ફોર્સમેન્ટ એજન્સીના વડા બનાવવામાં આવ્યા હતા. અગાઉ તેમની ગુડગાંવ, અંબાલા અને રોહતકમાં ડીએસપી તરીકે નિમણૂક થઇ હતી અને તેઓ ત્રણ વર્ષ સુધી રોહતક રેંજના આઇજીપી રહ્યા હતા અને ત્યારબાદ નવે.૨૦૧૭માં તેમને એડીજીપી તરીકે બઢતી આપવામાં આવી હતી.
એનઆઇએ વડા તરીકે છેલ્લા કેટલાક મહિના દરમિયાન તેમને કાશ્મીર ટેરર ફન્ડીંગ કેસોના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. નિવૃત્તિ બાદ તેમનું નામ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય તરીકે વહેતું થયું હતું પરંતુ કેટલાક એનજીઓએ તેનો વિરોધ કર્યો હતો. શરદકુમાર માલેગાંવ અને સમજૌતા બ્લાસ્ટ કેસની તપાસ સાથે પણ સંકળાયેલા હતા. ધ વાયરના રિપોર્ટ અનુસાર માલેગાંવ બ્લાસ્ટમાં ૯ આરોપીઓને નિર્દોષ છોડી મૂકાયાના એક દિવસ બાદ એનઆઇએના ડીજી તરીકે તેમના એક્સટેન્શન સામે પૂર્વ અને વર્તમાન બ્યુરોક્રેટ્‌સના જૂથ દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા હતા.
એનઆઇએ દ્વારા એવું બહાર આવ્યું હતું કે કેટલાક હિંદુત્વ આતંકી જૂથોએ આ બ્લાસ્ટનું આયોજન કર્યુ હતું અને શરદકુમાર સામે એ વખતે આરોપી મુસ્લિમો વિરુદ્ધ જબરદસ્તી કેસ ઊભો કરવાની અને ખરા ગુનેગારોનો બચાવ કરવાનો તેમના પર આરોપ મૂકાયો હતો. કર્મશીલોએ એવો આક્ષેપ કર્યો હતો કે શરદકુમારના વડપણ હેઠળ એનઆઇએ હિંદુત્વ આતંકી જૂથોને ખુલ્લા પડી જતા અટકાવવા કેસમાં બિનજરુરી વિલંબ કર્યો હતો.