(એજન્સી) તા.ર૩
નાઇજીરિયાના પૂર્વોત્તર શહેર મૈદુગરીમાં ત્રણ આત્મઘાતી મહિલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો જેમાં ૧૩ લોકોનાં મોતના સમાચાર મળ્યાં છે જ્યારે અન્ય ૧૬ લોકો ઘવાયાના અહેવાલ છે. નામ જાહેર ન કરવાની શરતે સેના સાથે જોડાયેલા એક સૂત્રએ આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે પહેલા હુમલાખોરોએ બોરનો રાજ્યના પાટનગરમાં એક રેસ્ટોરાં સામે ગઇકાલ રાત્રિએ સ્થાનિક સમયનુસાર લગભગ ૯ :૪પ વાગ્યે તેના વિસ્ફોટક બેલ્ટમાં તે સમયે વિસ્ફોટ કર્યો જ્યારે લોકો તેમના ભોજનની સામગ્રી ખરીદી રહ્યાં હતાં. ઉગ્રવાદીઓ સાથે મુકાબલો કરનારા એક સશસ્ત્ર સમૂહના વડાએ જણાવ્યું કે અન્ય બે હુમલાખોરોએ અમુક મિનિટો બાદ જ વિસ્ફોટ કરીને પોતાને ઉડાવી લીધી હતી જેના કારણે પણ અનેક લોકો ઘવાયા હતા. આ હુમલો બોકો હરામના અનેક સભ્યોને શહેરની બહાર જોયાના સમાચારોના અમુક કલાકો બાદ જ થયા હતા. હુમલાની તાત્કાલિક ધોરણે કોઇ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી.તમને જણાવી દઇએ કે બોકો હરામ સંબંધિત સંઘર્ષોમાં ર૦૦૯થી અત્યાર સુધી ઓછામાં ઓછા ર૦,૦૦૦ લોકોનાં મોત થયા છે અને ર૬ લાખથી વધુ લોકો તેમનું ઘર છોડીને સ્થળાંતર કે વિસ્થાપિત બનવા મજબૂર થયા છે. મૈદુગરીના માર્ગો વાહનવ્યવહાર માટે ખુલ્લા છે પરંતુ હુમલાની આશંકાને કારણે આગળ જતાં વાહનોને સેના તરફથી મદદ આપવામાં આવી રહી છે.