(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૦
ગાય-ગૌચર બચાવવાની અને તેના માટે વિશેષ સંવેદના ધરાવતી ભાજપ સરકારે ગાંધીનગરમાં રાહેજા ગ્રુપને ૩.૭૬ લાખ ચો.મી. ગૌચરની જમીન નજીવા ભાવે પધરાવી દીધી હોવાનો પ્રશ્ન આજે વિપક્ષ કોંગ્રેસે વિધાનસભામાં ઊઠાવ્યો હતો. ગૌચરની જમીન વેચી નહી શકાતી હોવા અંગે સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં નજીવા દરે આટલી મોટી જમીન પધરાવી દેવાનો મુદ્દો ઉઠાવાતા સરકાર તરફથી આ ડીલ સુપ્રીમના ઓર્ડર પહેલાં થઈ હોવાનું અને બજાર ભાવે જમીન આપી હોવાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો ગાંધીનગરમાં આઈટી/આઈટી સેઝ પાર્ક બનાવવા ખાનગી કંપનીને જમીન ફાળવાઈ હોવા અંગેનો પ્રશ્ન ઉઠાવાયો હતો. જેમાં સરકાર તરફથી જવાબમાં ૩,૭૬,૫૮૧ ચો.મી. ગૌચરની જમીન રાહેજા ગ્રુપને આપી હોવાનું જણાવાયું હતું. એટલું જ નહીં આ જમીન રૂા.૪૭૦ પ્રતિ ચો.મી.ના ભાવે કુલ રૂા.૧૭.૬૯ કરોડમાં આપી હોવાનો પણ એકરાર કરાયો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગાય, ગૌચર બચાવવાના રૂપાળા સૂત્રો પોકારનારી ભાજપની સરકારે રાહેજા ગ્રુપને ગાંધીનગરમાં ગૌચરની જમીન પાણીના ભાવે પધરાવી દીધી છે. ગૌચરની જમીન વેચી શકાય નહીં તેવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાં ભાજપ સરકારે આઈટી પાર્કનો કોઈ જ અનુભવ ન હોવા છતાં રાહેજા ગ્રુપને પાણીના ભાવે જમીન પધરાવી દીધી છે. રાહેજા ગ્રુપને આઈટી સેઝ પાર્ક બનાવવા માટે અપાયેલ જમીનમાં આ કંપની દ્વારા હેતુફેર કરી કોમર્શિયલ/રહેણાકના મકાનો બનાવીને ખુલ્લેઆમ શરતભંગ કરેલ હોવા છતાં રાજ્ય સરકાર તેની સામે પગલાં ભરવાને બદલે માલિકોને છાવરી રહી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, રૂા.૧૦૦૦ કરોડની અંદાજિત કિંમતની આ જમીન સરકાર દ્વારા ફક્ત રૂા.૧૭.૭૦ કરોડમાં આપી હતી. આ જમીન પર હેતુફેર કરી કોમર્શિયલ રહેણાંક બાંધકામ થયેલ હોય તો આવું તે દૂર કરી શરતભંગ મુજબ આ જમીન સરકાર પાછી લેવા માંગે છે કે કેમ ? તેવા પ્રશ્નના જવાબમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોઈ હેતુફેર કે શરતભંગ થયો ન હોવાનું જણાવ્યું હતું.