ભાવનગર, તા.૧૧
ભાવનગશ શહેર ખાતે આવતીકાલે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર અધેલાઈથી નારી નેશનલ હાઈવે નં.૭૫૧ સેક્શનને ચાર માર્ગીય કરવાના શિલાન્યાસ કરવાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં કર્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે, દેશમાં ઝડપથી પરિવહન માટે માર્ગો, બંદર માર્ગો વગેરેનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે. આથી, જ કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠે આવેલા માર્ગોને ફોર ટ્રેક બનાવી પરિવહનને ઝડપથી બનાવી રહી છે. પ્રસ્તાવિત રોડ ભાવનગરને અમદાવાદ સાથે જોડે છે તેની રૂપરેખા આપી તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવિત રોડથી અમદાવાદ અને ભાવનગર વચ્ચેનું અંતર ઘટશે તથા મુસાફરીના ૪ કલાક થતા હતા તે ઘટીને ર.પ કલાક થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ રોડ ધોલેરા સરને જોડશે. ધોલેરા સરમાં પણ આગામી સમયમાં ર૬ કિ.મી.નો રોડ બનશે. આ રોડ પછીથી એક્સપ્રેસ હાઈવે સાથે જોડાઈ અમદાવાદ સાથે સક્ષમ રોડ માર્ગનું નિર્માણ કરશે. વેરાવદર કાળિયાર પાર્કમાં વન્ય સંપદા અને વન્ય જગત મુક્ત રીતે વિહરી શકે તે માટે ઈકો સેન્સિટીવ વિસ્તારમાં આ પ્રસ્તાવિત રોડ પર એલિવેટેડ રસ્તાનું નિર્માણ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અધેલાઈ-નારીનો રાજમાર્ગ ૩૩,૩૦૮ કિ.મી. લંબાઈનો અંદાજિત રૂા.૮૨૦ કરોડના ખર્ચે આકાર પામનાર છે. આ રોડ આરસીસીનો બનશે.