National

વિકાસ દર ઘટ્યો છે પરંતુ કોઇ મંદી નથી : નિર્મલા સીતારમણ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
દેશના અર્થતંત્રમાં મંદી હોવાના વિપક્ષના આરોપ અને ઘટી રહેલા આર્થિક વિકાસ દરના મુદ્દા અંગે રાજ્યસભામાં હાથ ધરવામાં આવેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે જો તમે અર્થતંત્રને સૂક્ષ્મદ્રષ્ટિથી જોશો તો વિકાસ દર ભલે ઘટ્યો હોય પરંતુ અત્યાર સુધી આ મંદીનો માહોલ નથી કે અર્થતંત્રમાં ક્યારેય મંદી આવશે નહીં. જોકે, નિર્મલા સીતારમણે આર્થિક મંદીનો સ્વીકાર કર્યો છે પરંતુ અર્થતંત્રની સ્થિતિનો બચાવ કર્યો છે અને મંદીની ચિંતાઓ ફગાવી દીધી છે. જુલાઇથી સપ્ટેમ્બરના સમયગાળા માટે જીડીપીના સત્તાવાર આંકડા જારી કરવાના થોડાક દિવસ પહેલા સીતારમણે આ ટિપ્પણીઓ કરી છે.
મહત્વની ૧૦ બાબતો
૧. સીતારમણે એવું પણ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી સરકારે બેંકિંગ ક્ષેત્રનો ભાર અને તનાવ સમજીને બેંકિંગ ક્ષેત્રની સમસ્યાઓ દૂર કરવા માટે પગલાં ભર્યા છે. સરકારે ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો તેનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે દેશના નાણાકીય ક્ષેત્રની સ્થિતિ જાળવી રાખવાના મહત્વ પર ભૂતકાળમાં ભાર આપ્યો હતો.
૨. નાણા પ્રધાને એનડીએ અને અગાઉના યુપીએના શાસનકાળ દરમિયાન સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ના આંકડાઓની પણ સરખામણી કરી છે. ૨૦૧૪ની સરખામણીએ ૨૦૧૯માં એફડીઆઇના પ્રવાહમાં સુધારો થયો છે.
૩. બધા જ ક્ષેત્રોમાં ભાર અને તનાવ વચ્ચે ભારતીય અર્થતંત્ર હજારો નોકરીઓ ગુમાવવા અને વિસ્તરણની ધીમી ગતિ સામે ઝઝુમી રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં જીડીપીનો વિકાસ દર છ વર્ષથી વધુ સમયમાં પાંચ ટકાના નીચલા સ્તરે આવી ગયો છે.
૪. તાજેતરના ભૂતકાળમાં સરકારે વિદેશી રોકાણકારો પરના ઉંચા ટેક્સ પાછા ખેંચવા સહિતના સંખ્યાબંધ પગલાની જાહેરાત કરી હતી.
૫. ભારતીય રિઝર્વ બેંકે ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં મહત્વના વ્યાજ દર – રેપો રેટમાં ઘટાડો કર્યો છે.
૬. સરકાર શુક્રવારે સાંજ જીડીપી અંગેનો ડેટા જારી કરશે. માર્ચ ૨૦૨૦માં પુરૂં થનાર નાણાકીય વર્ષ માટે ઘણા અર્થશાસ્ત્રીઓ અને નાણાકીય સંસ્થાઓએ તેમના અંદાજિત વિકાસ ઘટાડ્યો છે.
૭. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એવી ધારણા છે કે જુલાઇ-સપ્ટેમ્બરના સમયગાળામાં જીડીપી વધુ ઘટીને ૪.૨ ટકા થઇ જશે.
૮. એસબીઆઇએ ઓટોમોબાઇલના વેચાણમાં ઘટાડા, એર ટ્રાફિક મૂવમેન્ટમાં ઘટાડા, કોર સેક્ટરની વૃદ્ધિ ચોપટ થવા, કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગમાં રોકાણમાં ઘટાડાને ટાંક્યા છે.
૯. મૂડીઝે પણ ચાલુ મહિનામાં ભારત માટે તેનો આર્થિક વિકાસનો અંદાજ ઘટાડીને ૫.૬ ટકા કરી દીધો છે.
૧૦. નોમુરા હોલ્ડીંગ્સ અને કેપિટલ ઇકોનોમિક્સે પણ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે વિકાસ દર ઘટાડીને ૪.૨ ટકાથી ૪.૭ ટકા રહેવાની આગાહી કરી છે.