વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી ગુજરાતનું ર૦૧૯-ર૦નું પૂર્ણ કદનું બજેટ આજે રજૂ કરશે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલથી પ્રારંભ થઈ રહેલ છે ત્યારે સત્રના પ્રથમ દિવસે જ એટલે કે, આવતીકાલે તા.ર જુલાઈએ રાજ્યના નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વર્ષનું પૂર્ણ બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણીને લઈ અગાઉ ચાર માસ માટે લેખાનુદાન લીધા બાદ ગુજરાત સરકારનું વર્ષ ર૦૧૯-ર૦ માટેનું પૂર્ણ કદનું બજેટ જો કે બહુ મોટા આકર્ષણો વિનાનું સામાન્ય ગણી શકાય તેવું હશે જીડીપી વધે તેવા પ્રયાસો સાથે અને રોજગારી તથા કૃષિ-પાણી ક્ષેત્રે ધ્યાન આપવા સાથે કેન્દ્ર સરકારના ૧૦૦ દિવસના એજન્ડાને અગ્રતા આપતું બજેટ હોવાની શક્યતાઓ છે.
આવતીકાલથી શરૂ થઈ રહેલ વિધાનસભા સત્ર ૨૫ જૂલાઇએ પૂર્ણ થશે. ૨૧ દિવસ સુધી ચાલના સત્રના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રજૂ થનારા આ બજેટમાં ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોની સાથે કૃષિ અને પાણીને વધુ પ્રાધાન્ય અપાશે. આ સત્ર દરમિયાન વિરોધપક્ષ પણ સરકારને ભીંસમાં લેવા માટે વિવિધ મુદ્દાઓ તૈયાર કરી રહ્યો છે. ખાસ કરીને સુરત અગ્નિકાંડ, ખાતર-પાણી, દલિતોના મુદ્દે વિધાનસભામાં ભારે હંગામો થાય એવી શક્યતાઓ છે. મળતી માહિતી પ્રમાણે આવનાર સંપૂર્ણ બજેટ બે લાખ કરોડની આસપાસ રહેશે. નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ, નીતિઓ અને જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે ૭ જેટલા બિલો પણ ગૃહમાં પસાર કરવામાં આવે એવી શક્યતા છે. બજેટની સાથે સાથે આ સત્રમાં રૂપાણી સરકારની પણ અગ્નિ પરીક્ષા થશે. આ દરમિયાન મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ રૂપાણી સરકારને ખાતર-પાણી, દલિતો અને સુરત અગ્નિકાંડ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.
લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકારે ફેબ્રુઆરી માસમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરીને ૪ મહિનાના ખર્ચાની જોગવાઈ પસાર કરી હતી. ત્યારબાદ હવે જુલાઈ મહિનાના વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરી રહી છે. બજેટ માટે છેલ્લા ઘણા સમયથી નાણાં વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. નાણાં વિભાગે શરૂ કરેલી તૈયારીના ભાગરૂપે બજેટ માટેના ૬૪થી વધુ બજેટ પ્રકાશનો તૈયાર કરવામાં આવ્યા છે અને ઓગસ્ટ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું બજેટ રજૂ થશે. અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડ નક્કી કર્યું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ માટે લેખાનું દાન લેવાયું હતું. જો કે જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ, બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડથી વધીને ૨ લાખ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલે સત્ર
લાંબું ચલાવવા માંગ કરી

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે સત્ર લાંબુ ચલાવવા માંગ કરી છે. કોંગ્રેસના ૨૮ ધારાસભ્યોને મહત્વના બિલો પર ચર્ચા કરવા માટે પૂરતો સમય મળે તેવી માગ કરી છે. તો સાથે એમ પણ કહ્યું કે આદિવાસી વિભાગની માગ માટે ક્યારેય પૂરતો સમય નથી ફાળવાતો અને તેની ચર્ચા સૌથી છેલ્લી રાખવામાં આવે છે. તેમાં ફેરફાર કરી સત્રના આગળના દિવસમાં તેની ચર્ચા રાખવા અને વધુ સમય ફાળવવા રજૂઆત કરાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks