(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૬
ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના ચોમાસુ પાકને બચાવી લેવા માટે આવતીકાલથી પાંચ દિવસ માટે દૈનિક ૧ર હજાર ક્યુસેક નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. સરકારની આ જાહેરાતે રાજ્યમાં વધુ એક ચર્ચા જગાવી છે. જેમાં સૌથી મોટો સવાલ તો એ ઉભો થાય છે કે, ખેડૂતોને પાંચ દિવસ માટે પાણી અપાશે તો શું તેમની ચોમાસુ ખરીફ સિઝન પાંચ દિવસમાં જ પૂરી થઈ જશે ? ત્યારે ખરેખર તો વડાપ્રધાન મોદી તા.૩૧મીએ સ્ટેચ્યુઓ યુનિટીના લોકાર્પણ માટે આવી રહ્યા છે અને એટલે જ ત્યાં ગુરૂડેશ્વર વિયર સરોવર ભરવા માટે પાણી છોડાઈ રહ્યું છે આવી સ્થિતિમાં ખેડૂતો સહિતના લોકો વિરોધ ના કરે અને કાર્યક્રમ સંપન્ન થઈ જાય તે માટે આ જાહેરાત કરાઈ હોવાની વિગતો સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાતમાં પાણીના પોકારો વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. આવતીકાલથી ૩૧ ઓક્ટોમ્બર રાત્રીના ૧૨ કલાક સુધી નર્મદા કેનાલમાં વધુ ૬૦૦૦ ક્યુસેક પાણી છોડાવામાં આવશે. હાલમાં ૬૦૦૦ ક્યુસેક પાણી નર્મદા બંધમાંથી છોડવામાં આવે છે. એટલે કે આવતીકાલથી ૧૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવશે. ખેડૂતો અને ધારાસભ્યો દ્વારા મળેલી રજૂઆતને પગલે નિર્ણય લેવાયો હોવાનું જણાવી ૫ દિવસ સુધી વધુ પાણી આપવાની જાહેરાત કરાઇ છે . હાલમાં નર્મદા બંધમાં પાણીનું લેવલ ૧૯૭.૨૮ મીટર છે. પાણીની આવક ૨૧૦૦૦ ક્યુસેક છે. તમામ મુખ્ય અને માઇનોર કેનાલમાં ૧૨૦૦૦ ક્યુસેક પાણી છોડાશે. ખેડૂતોના પાકને બચાવવા નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમ પર વિશ્વભરની નજરો છે. આ સ્થિતિમાં ખેડૂતોના રોશનો ભોગ ન બનવું પડે તે માટે સરકારે નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. હાલમાં ગરૂડેશ્વર વિયર ભરવા માટે પાણી છોડાઇ રહ્યું છે. જેના પગલે ૧૨ કિલોમીટર લાંબુ સરોવર બનવાનું છે. આ સ્થિતિમાં ખેડૂતોના રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે તાત્કાલિક નિર્ણય લીધો છે. જેમાં મોદીનો કાર્યક્રમ પૂરો થતાં જ ખેડૂતોને નર્મદાનું વધારાનું પાણી આપવાનું બંધ થઈ જશે, સરકારે માત્ર ૫ જ દિવસ વધારાનું પાણી છોડવાનો નિર્ણય લીધો છે. જેનો સીધો મતલબ એે છે કે, મોદી સરકારનો કાર્યક્રમ વિના વિધ્ને સંપન્ન થઈ દાય અને નર્મદાના પાણી છોડવાનો કોઈ વિરોધ ન થાય. દર ૩ વર્ષે દુકાળ કે અછતનો ભોગ બનતા ગુજરાતમાં લોકસભા કે, વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પાણીનો ઉપયોગ કરી ગુજરાતને પાણીદાર બનાવવાના વચનો આપી ગુજરાતીઓને ભ્રમમાં રાખવાનું પોલિટીક્સ એ પ્રધાનમંત્રી મોદીની દેન છે. આ જ માર્ગે રૂપાણી પણ ચાલી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ ગુજરાતમાં પાણીની અછત વચ્ચે ૧૨ કિલોમીટરનું ગરૂડેશ્વર વિયર ભરાઈ રહ્યું છે. ૩થી ૪ દાયકા જૂના આ પ્રોજેક્ટને ઉતાવળમાં પૂરો કરી દેનાર રૂપાણી અને મોદી સરકારને એકાએક સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે ગરૂડેશ્વર વિયર પ્રોજેક્ટનું સરોવર યાદ આવ્યું છે. પ્રથમવાર સરોવર ભરાઈ રહ્યું હોવાથી આગામી દિવસોમાં જ ખબર પડી જશે કે, સરકારે ગુજરાતીઓનું ભલું કર્યું છે કે નુકસાન.