રાજ્યમાં વકરતું ખેડૂત આંદોલન ઠારવા સરકારના પ્રયાસો : કોંગ્રેસ સામે આકરા પ્રહારો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૯
દેશના અન્ય રાજ્યોને પગલે ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા આંદોલન શરૂ થતા અને તેમાં કોંગ્રેસ પક્ષ સહિત અન્ય સંસ્થાઓ પણ જોડાતા ખેડૂતોનું આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર આંદોલન વધુ ના વકરે તેના પ્રયાસોમાં લાગી ગયેલ છે. ડે.સી.એમ. નીતિન પટેલે આંદોલનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા કરાતી આત્મહત્યાઓ પાછળ ખેતીની નિષ્ફળતાનું એકમાત્ર કારણ જવાબદાર હોતું નથી. તેના માટે સામાજિક કારણો પણ જવાબદાર હોય છે.
અગાઉ આંદોલનને લગતી માહિતી એકત્ર કરવા આઈ.બી. સહિતની એજન્સીઓને કામે લગાડવામાં આવી ચૂકી છે. દરમિયાન આજે સરકાર તરફથી ખેડૂતોના આંદોલન અંગે કોંગ્રેસ ઉપર માછલા ધોવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રજાની નજરોમાં રહેવા આંદોલન ચલાવી હવાતિયા મારી રહી હોવાનું જણાવતા કૃષિમંત્રીએ જણાવ્યું કે તેને ખેડૂતો-પ્રજાનું કોઈ સમર્થન નથી. કૃષિમંત્રી આર.સી. ફળદુએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ખેડૂતોના નામે ચલાવાઈ રહેલા આંદોલન અને માર્ગો પર દૂધ ઢોળી દેવા, શાકભાજી ફેંકવા જેવી ઘટનાઓની આલોચના કરી છે.
ગુજરાતમાં પશુપાલકોને ગાય અને ભેંસના દૂધની સરકાર દ્વારા ખરીદીમાં રૂા.૧૦ની સબસિડી અપાય છે પરંતુ જે વિપક્ષ આંદોલન કરે છે તેમના જ પક્ષની સરકારો દ્વારા કર્ણાટક અને પંજાબમાં તો બે રૂપિયા જેવી નજીવી સબસિડી અપાય એ કોંગ્રેસ ઘર ભૂલી છે.
આર.સી. ફળદુએ કહ્યું કે આ આંદોલનાત્મક કાર્યક્રમો આપીને કોંગ્રેસ પોતાના કાર્યકરો દ્વારા મીડિયામાં રહેવાના હવાતિયા મારે છે. હકીકતે રાજ્યના ખેડૂત વર્ગનો કોઈ ટેકો કે સમર્થન આ આંદોલન છે જ નહીં. કોંગ્રેસ ખેડૂતોના નામે જુઠાણા ચલાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts