Ahmedabad

દોઢ દાયકામાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનમાં શાળા પ્રવેશોત્સવ મુખ્ય

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧પ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકન થાય, ધો-૮માં પાસ થયેલા પ્રત્યેક બાળકનો ધો-૯માં અવશ્ય પ્રવેશ થાય અને દરેક બાળક શિક્ષણ સાથે સંસ્કૃત સહિત ભાષાકીય જ્ઞાન અને યોગ, કાવ્ય પઠન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેવી ઇતર બાબતોમાં પણ પારંગત થાય તે સમગ્ર વિષયોને આવરી લઇ શાળા પ્રવેશોત્સવ અભિયાન સ્વરૂપે ઉપાડીને ગુજરાત પાછલા દોઢ દાયકામાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવનારૂં પથદર્શક રાજ્ય બન્યું છે.
આજે મહેસાણા જિલ્લાના ચરાડુ અને ગોઝારિયા ખાતે ગ્રામીણ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓના નામાંકન કરાવ્યા બાદ રાજ્ય સરકારે પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ માટે વિશેષ ચિંતા કરી છે. બાળક સુશિક્ષિત બની ભવિષ્યના રાષ્ટ્રનું નિર્માણ કરે તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે શિક્ષણ અને આરોગ્યની વિશેષ ચિંતા કરી છે. રાજ્યમાં ગણવેશ માટે રકમ વધારવામાં આવી છે આ ઉપરાંત આંગણવાડીના બાળકોને ગણવેશ મળે તે માટેનું આયોજન કરાયું છે.
નાયબ મુખ્યમંત્રીએ આંગણવાડી, ધોરણ ૦૧, ધોરણ ૦૬ અને ધોરણ ૦૯ના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત શાળામાં શૈક્ષણિક સુવિધાઓ, અન્ય સુવિધાઓ સહિત વિવિધ બતોની સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.