નાફેડની જવાબદારીમાં નિષ્ફળ વાઘજી બોડાનું કોંગ્રેસે રાજીનામું માગી લેવું જોઈએ

અમદાવાદ, તા.૮
નાફેડના ચેરમેને સરકાર પર પ્રહાર કરીને મગફળી કૌભાંડમાં નાફેડ જવાબદાર હોય તો સરકાર કેસ કેમ કરતી નથી તેવો સવાલ ઉઠાવ્યો છે ત્યારે આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે નાફેડના ચેરમેન તરીકે વાઘજી બોડાએ તો પોતે આવી સરકારને પગલાં લેવા જણાવવું જોઈએ તે ફરજ પણ વાઘજી બોડા ચૂક્યા છે. ખેડૂતોના હિતમાં કામ કરી રહેલી ગુજરાતની ભાજપ સરકાર સામે કોઈને કોઈ પ્રકારે આંદોલનો ચલાવી લોકોને નજરોમાં રહેવાના કોંગ્રેસ હવાતિયા મારે છે. નાફેડની જવાબદારીમાંથી નિષ્ફળ નિવડેલા વાઘજી બોડાનું રાજીનામું કોંગ્રેસે માગી લેવું જોઈએ. વાઘજી બોડાના મગફળી મુદ્દેના નિવેદનોને આઘાતજનક ગણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમણે વાઘજી બોડાના નિવેદનોના સંદર્ભમાં કહ્યું કે, કેન્દ્રની મોદી સરકારે ગુજરાતના ખેડૂતોના વ્યાપક હિતમાં મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરીને તેની જવાબદારી નાફેડને સોંપી હતી. આ ખરીદી પ્રક્રિયામાં મગફળીની ગુણવત્તા મગફળીની ગુણવત્તા ચકાસણી, ગોડાઉન સ્ટોરેજ જાળવણીથી લઈને વેચાણ અને ખેડૂતોને પેમેન્ટ સુધીની બધી જ જવાબદારી નાફેડ હસ્તક હતી. નાફેડ આ જવાબદારી નિભાવવાની ફરજ ચૂકી ગયું છે તે વાઘજી બોડા કેમ સ્વીકારતા નથી ? તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં અનેક પગલાંઓ લઈ રહી છે. એટલું જ નહીં મગફળી કૌભાંડમાં ગંભીરતાપૂર્વક તપાસ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા જણાયેલા ર૦થી વધુ લોકોની ધરપકડ પણ કરી છે. વાઘજીભાઈના ભત્રીજાની આ કાંડમાં સંડોવણી છે તથા નાફેડના બે અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે નાફેડના ચેરમેન તરીકે પોતે ફરિયાદ કરવાને બદલે કોંગ્રેસના મંચ પરથી નિવેદનો કરવા કેટલા વાજબી છે તેવો સવાલ પણ નાયબ મુખ્યમંત્રીએ ઉઠાવ્યો છે.
નીતિન પટેલે જણાવ્યું કે, વિપક્ષના નેતા પરેશ ધાનાણી મગફળી મામલે ધરણાં કરીને તપાસની માગ કરે છે અને તેમના જ પક્ષના નાફેડના ચેરમેન કોંગ્રેસના મંચ પરથી ખુલાસાઓ કરે છે. પરેશ ધાનાણીએ નાફેડના ચેરમેનની નિષ્ફળતા બદલ તેમને કોંગ્રેસમાં દૂર કરવા જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks