નીતિન પટેલ મારી માફી માગે નહીં તો જૂતું ખાવા તૈયાર થાય : ગોપાલ ઈટાલિયા

ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલની ફેસબૂક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

(સંવાદદાતા દ્વારા)                                        અમદાવાદ, તા.૯

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર વિધાનસભામાં જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા ફરી ચર્ચામાં આવ્યો છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દારૂબંધી અંગે ફોન કરનાર ગોપાલે પોતાના ફેસબુક વોલ પર લખ્યું છે કે આજે નીતિન પટેલ ખુલ્લા પડી ગયા છે અને મારી જીત થઈ છે. એટલે નીતિન પટેલ મારી માફી માંગે નહીંતર જૂતું ખાવા તૈયાર થઈ જાવ. એવું લખતા આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાસ્પદ બની છે.

ગોપાલ ઈટાલિયાએ પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે જાન્યુઆરી ૨૦૧૭માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરી અને દારૂબંધીનાં નવા કાયદા પછી ગુજરાતમાં દારૂના ભાવ વધ્યા હોવા અંગે બિલકુલ સૌજન્યયુક્ત ભાષામાં અને મુદ્દાસરરીતે વિનમ્રતાથી રજુઆત કરી હતી જોકે થોડીક નર્વસનેસ અને હડબડાહટમાં બોલવામાં થોડીક ભૂલ પડેલ એ વાત અલગ છે.

દારૂબંધી અંગેની રજુઆત બાબતની મારી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેની ઓડિયો ટેપ વાઇરલ થયેલ હતી જેમાં સરકાર અને નાયબ મુખ્યમંત્રીની પ્રજામાં ખૂબ જ ટીકા અને નાલેશી થતા તેમનો ઈગો હર્ટ થયો હતો અને નિતીનભાઈના કાર્યાલયની સૂચનાઓ મુજબ મારા ઉપર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી અને તા.૨૦/૦૧/૨૦૧૭ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મારી ધરપકડ કરી અને મારો મોબાઈલ જમા લઈ મને એક રાત લોકઅપમાં રાખ્યો. મેં દારૂબંધીની પોલ ખોલતી રજુઆત કરીને એટલો ગંભીર ગુનો કરી નાખ્યો કે તા.૨૦/૦૧/૨૦૧૭ના રોજ પોલીસે મારી પાસેથી જમા લીધેલ મોબાઈલ કોર્ટમાં અરજી કરવા છતાં આજદિન આ પોસ્ટ કરું છું ત્યાં સુધી મને પાછો નથી મળ્યો. નીતિનભાઈનો છોકરો આજે એરપોર્ટ પર દારૂના નશામાં ચિત્કાર બનીને પકડાયો ત્યારે મારો સવાલ છે કે શું નિતીનભાઈના છોકરાઓ ઉપર દારૂબંધીનાં નવા કાયદા મુજબ એફઆઈઆર દાખલ થશે? દારૂબંધી અંગે રજુઆત કરીને ગોપાલ ઈટાલિયાએ ગંભીર ગુનો કર્યો હોય તો દારૂપીવાવાળા એ કેટલો ગંભીર ગુનો કર્યો કહેવાય એ નીતિનભાઈ સમજાવે. દારૂબંધીનો નવો કાયદો લાવીને માઈક અને મીડિયામાં જ્યાં હોય ત્યાં લવારા કરતા ગૃહમંત્રીને પણ પૂછવા માંગુ છું કે દારૂબંધીનો કાયદો લાવીને તમે શું તીર મારી દીધા સાહેબ ?

ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે શું તેઓ મારા ઉપર જે કડક પગલાં લેવાયા તેવા જ કડક પગલાં નીતિનભાઈના છોકરા ઉપર લેશે?? ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે એવી નરી ભાષણબાજી કરનાર તિકડમબાજ રોબોટ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઘટના પગલે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપશે. ફોન કરવાથી લઈને જુતાકાંડ સુધી મારો ગુસ્સો એટલો જ છે કે આ ભાજપીયાઓ દોગલા, હલકા અને તમાશાબાજ છે. ગોપાલે આ ઉપરાંત પણ ઘણી વ્યથા ઠાલવી છે અને અંતમાં લખ્યું છે કે નીતિન પટેલ પોતાના છોકરા ઉપર કેસ ન કરે તો કંઈ નહીં પરંતુ નાયબ મુખ્યમંત્રીમાં સહેજ પણ નૈતિકતા પ્રામાણિકતા કે માનવતા કે સંવેદના હોય તો માસ ઉપરનો કેસ પાછો ખેંચવા યોગ્ય કાર્યવાહી કરે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts