(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
ભારત તેના ઈતિહાસમાં સૌથી ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. પાણીના અભાવે લાખો લોકો અને તેમની આજીવિકા જોખમાઈ ગઈ છે. દેશમાં ૬૦ કરોડ લોકોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ૭૫ % વસતીને પીવાના પાણી માટે દૂર-દૂર સુધી જવું પડે છે. તેમ છતાં પાણીના મેનેજમેન્ટને લઈને અનેક રાજ્ય ગંભીર નથી દેખાતાં. આ વાત નીતિપંચના રિપોર્ટમાં જાહેર થઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગામડાંઓમાં ૮૪ % વસતી પાણીના પુરવઠાથી વંચિત છે. જેમને પાણી મળી રહ્યું છે તેમાં ૭૦ % પ્રદૂષિત છે. વર્લ્ડ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ૧૨૨ દેશોમાં ભારત ૧૨૦મા ક્રમે છે. નદી વિકાસ, જળ સંસાધન તથા ગંગા સંરક્ષણમંત્રી નીતિન ગડકરી અને નીતિપંચના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત તથા ઉપાધ્યક્ષ રાજીવકુમારે સમેકિત જળ ઈન્ટિગ્રેટેડ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ નામે આ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં વોટર મેનેજમેન્ટ અંગે રાજ્યોના રેન્કિંગ જણાવાયા છે. તેમાં ગુજરાત ટોચ પર છે. તેના બાદ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો નંબર છે. ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ના આંકડાના આધારે તૈયાર આ રિપોર્ટ મુજબ વોટર મેનેજમેન્ટમાં ઝારખંડ, હરિયાણા, યુપી અને બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. પૂર્વોત્તરના પર્વતીય રાજ્યોમાં ત્રિપુરા ટોચે છે. જોકે તેના બાદ હિમાચલ પ્રદેશ, સિક્કીમ અને આસામનો નંબર છે. નીતિપંચે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં હરીફાઈ વધારવા માટે રેન્કિંગ વ્યવસ્થા શરૂ કરી છે. તેમાં ૨૮ માપદંડ જેવા કે ભૂજળ, જળાશયોની સારસંભાળ, સિંચાઈ, ખેતી, પેયજળ, નીતિ અને તંત્રને સામેલ કરાયા છે. નીતિન ગડકરી, જળ સંસાધનમંત્રીએ પણ કહ્યું હતું કે પાણીનો અભાવ નથી, પાણીના નિયોજનનો અભાવ છે. રાજ્યો વચ્ચે જળવિવાદ ઉકેલવો, પાણીની બચત કરવી, સારા વોટર મેનેજમેન્ટ કંઈક એવા કામ છે જેનાથી ખેતીની આવક વધી શકે છે અને ગામડાં છોડીને શહેર આવેલા લોકો ગામ તરફ પાછા ફરી શકે છે.