(એજન્સી) રાંચી, તા.ર૭
રાંચીમાં સીબીઆઈ કોર્ટમાં હાજરી આપ્યા પછી લાલુ યાદવે પત્રકારોને જણાવ્યું કે નિયમો મુજબ રાજ્યપાલે સૌથી મોટો દળને સરકાર રચવા આમંત્રિત કરવું જોઈએ પણ એમણે એવું નથી કર્યુ, આ નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. એમણે નીતિશ કુમાર ઉપર આક્ષેપો અને પ્રહારો કરતાં કહ્યું કે તેજસ્વી તો એક બહાનું હતું ખરેખર એમને ભાજપના ખોળામાં બેસવું હતું.
મોદી અને શાહ ઉપર પણ લાલુએ નિશાન સાધતા કહ્યું બિહારની જનતાએ એમને ખાલી હાથે જાકારો આપ્યો હતો અને મહાગઠબંધનનું સમર્થન કર્યું હતું.
લાલુએ કહ્યું મેં નીતિશની પૂજા શંકર ભગવાનની જેમ કરી હતી પણ ભસ્માસૂર બની ગયા. ભાજપ સાથે જોડાવા એ કંઈ પણ કરી શકે છે. સીબીઆઈના દરોડાઓ પડાવવા પાછળ નીતિશ અને ભાજપનું જ કાવતરૂં હતું. ભાજપએ ગાંધીજીના હત્યારાઓની પૂજા કરી છે એ જ ભાજપા સાથે નીતિશે હાથ મિલાવ્યા છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. મને કંઈ લાલચ ન હતી એ માટે મેં નીતિશને મુખ્યમંત્રી બનાવ્યું હતું. મારી પાસે ૮૧ ધારાસભ્યો હતા અને જેડીયુ પાસે ૭૧ હતા. તેમ છતાંય મેં એમને મુખ્યમંત્રી બનાવ્યું. બિહારની જનતાનો કોઈ કાર્ય થયું નથી. દારૂબંધી નિષ્ફળ રહી છે. દારૂની હોમ ડિલિવરી થાય છે. પોલીસ માલામાલ થઈ રહી છે. સરકાર સારી રીતે ચાલી રહી હતી. મારા પુત્ર તેજસ્વી ઉપર કોઈ અવરોધો ન હતા. મારા પુત્રએ કશું કર્યું નથી. મેં નીતિશને પૂછ્યું હતું તો એમણે કહ્યું કે મેં તો રાજીનામું માગ્યું જ નથી. આ બધી વાતો મીડિયા ચલાવી રહી છે. એમને ચલાવવા દો. ચૂંટણી વખતે નીતિશ મારી સાથે વાતચીત કરવા આવ્યા હતા. મારી ઈચ્છા જોડાણ માટે ન હતી. પણ કરી લીધું. ભોલેશંકરની જેમ કહી દીધું જાઓ કરી લઈશું. મેં નીતિશને કોઈ તકલીફ આપી નથી. સુશીલ મોદીને ફિક્સ કરાયું. રોજેરોજ મારી વિરૂદ્ધ બોલતા રહો, એ લોકોનું કામ કેસ કરવાનો છે, ખોટા ખોટા કામો કર્યા છે. નીતિશની મેચ ભાજપ-સંઘ સાથે ફિક્સ હતી. સંસદીય બોર્ડની મીટિંગ, નીતિશને રાજ્યપાલનું આક્સ્મિક તેડું, રાજીનામું અને પછી ભાજપનું સમર્થન અને સરકારની રચના સુશીલ મોદી સ્ટેપની હતા અને ફરી નીતિશની સ્ટેપની બન્યા છે. નીતિશકુમાર પોતાને સ્વચ્છ ગણાવે છે. એ વાત ખોટી છે. એમની ઉપર ૩૦ર હેઠળ કેસ ચાલી રહ્યો છે.