નીતિશકુમાર સત્તાભૂખ્યા, રાજનીતિના સૌથી મોટા પલ્ટુરામ : લાલુ યાદવ

પટના, તા. ૧
રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારના આક્ષેપોના બીજી દિવસે તેમની સામે આકરા પ્રહારો કરતા તેમને સત્તાભૂખ્યા તથા રાજનીતિના સૌથી મોટા પલ્ટુરામ કહ્યા હતા. લાલુએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, નીતિશ કુમાર કરતા વરિષ્ઠ હોવાને નાતે હું તેમને સારી પેઠે જાણું છું. તેઓ સૌથી મોટા પલ્ટુરામ છે અને તેમનો સાચો રંગ વહેલી તકે બહાર આવશે. સૌ પહેલાથી જ તેઓ પોતાના બેવડાં ચારિત્ર્ય માટે જાણીતા છે. નીતિશ એ દિવસો ભૂલી ગયા જ્યારે તેઓ કોઇપણ રાજકીય ચર્ચા માટે મારા આશિર્વાદ લેતા હતા. આ દરમિયાન લાલુએ કહ્યું કે, નીતિશ તેજસ્વીની વધી રહેલી લોકપ્રિયતાથી ડરી ગયા હતા. નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતા લાલુએ જણાવ્યું કે, ફક્ત મુલાયમના કહેવા પર જ તેઓ ગઠબંધનમાં મુખ્યમંત્રીના દાવેદાર બનાવવા રાજી થયા હતા. લાલુ યાદવે જણાવ્યું હતું કે, સોમવારે જ્યારે તેઓ મારા અને મારા પરિવાર પર આરોપો મુકતા હતા ત્યારે જ હું સમજી ગયો હતો કે, આ સમય આવવાનો જ હતો. તેઓ એ દિવસ ભૂલી ગયા જ્યારે મેં તેમને ખુલ્લા મને સ્વીકારી રાજ્યમાં સત્તા પર બેસવા પરવાનગી આપી. ફક્ત મુલાયમસિંહને કારણે જ હું તેમને પાર્ટીમાં લેવા માટે રાજી થયો હતો. પરંતુ આજે એ સમય માટે હું માફી માગુ છું. વડાપ્રધાન મોદી પર ટીપ્પણી કરતા લાલુએ કહ્યું કે, નીતિશ કુમાર ભાજપને બીમારૂ પાર્ટી ગણાવી રહ્યા હતા અને આજે તેના ગુણગાન ગાઇ રહ્યા છે. એક દિવસ પહેલા નીતિશ મોદી પર આરોપ મુકી રહ્યા હતા જ્યારે આજે તેમના ભક્ત બની ગયા છે અને દેશના સૌથી મોટા નેતા ગણાવી રહ્યા છે. જોકે, તેમની વાતોમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, મોદી વિશે તેઓ એમ કહે છે કે, તેમને આજે દેશમાં કોઇ હરાવી શકે નહીં. હું તેમને જાણું છું તેઓ ગુણગાન અને નામ માટે મારા બાળકોની કુરબાની આપવા માગે છે. સોમવારે ભાજપ સાથે જોડાયા બાદ પ્રથમ પત્રકાર પરિષદમાં નીતિશ કુમારે જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને હરાવવા માટે કોઇ પણ સક્ષમ ચહેરો નથી. તેમણે વડાપ્રધાન મોદીને દેશના સૌથી મોટા નેતા ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, મેં લાલુ પરિવારને આક્ષેપો સામે ખુલાસો કરવા ઘણો સમય આપ્યો પરંતુ કાંઇ પણ બહાર ન આવ્યું. જો લાલુ પ્રસાદ ભ્રષ્ટાચાર મામલે ખુલાસો કરી દીધો હોત તો આજે બિહારની સ્થિતિ જુદી હોત. હું બિહારના ભલા માટે કામ કરવા માગતો હતો તેથી મેં અંતે આ નિર્ણય કરવો પડ્યો. દરમિયાન લાલુ યાદવે લોકોના જનમતને ખોરવી નાખનારા કોમવાદી અને ફાસીવાદી તત્વો ભાજપ અને નીતિશ કુમાર સામે લડવા માટે જેડીયુના નેતા શરદ યાદવને સાથે આવવા આહ્‌વાન કર્યું છે. લાલુએ એમ પણ કહ્યું હતું કે, નીતિશ કુમારે આંબેડકરની છબિ ખરડી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks