National

નીતિશકુમારે જનાદેશનો અનાદર કર્યો છે, તેનું મૂલ્ય તેમણે ચૂકવવું પડશે : તેજસ્વી યાદવ

(એજન્સી) પટના, તા.૨૮
નીતિશ કુમારે રાજ્યની વિધાનસભામાં ૧૩૧ વિશ્વાસ મતે જીત મેળ્વયા બાદ આરજેડીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
ભાજપ સાથે જોડાઇને નવી સરકાર રચવાના નીતિશના પગલાંને વખોડતાં તેજસ્વીએ કહ્યું કે મહાગઠબંધનને જનાદેશ આપવામાં આવ્યો હતો. આજે ભાજપ, મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિધાનસભામાં તેમને મત આપનાર તમામ લોકોએ જનાદેશનો અનાદર કર્યો છે. તેમણે દાવો કર્યો કે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા એક પણ સવાલનો નવા રચાયેલા ગઠબંધન પાસે નથી અને ૨૦૧૫ની રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ તેમના પર મૂકેલા વિશ્વાસને તોડવા બદલ જનતા જડીયુને દંડ આપશે. તેમણે કહ્યું કે “બિહારની જનતા તેમને પાઠ ભણાવશે. વિધાનસભામાં મંે ઉઠાવેલા સવાલોનો તે જવાબ નથી આપી શકતા તો તેઓ જનતાને કેવી રીતે જવાબ આપી શકશે.” બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપના સમર્થનથી રાજ્યની વિધાનસભામાં બહુમતથી વિશ્વાસમત મેળવ્યા હતા. જેડીયુ-ભાજપ ગઠબંધનને ૧૩૧ ધારાસભ્યોએ મત આપ્યા હતા, જ્યારે ૧૦૮ ધારાસભ્યોએ તેમની વિરૂદ્ધ મત આપ્યા હતા. જેડીયુ-ભાજપના ગઠબંધન દ્વારા વિશ્વાસમત જીતવાની ખુશી વ્યક્ત કરતા નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમારે જણાવ્યું કે “મને આનંદ છે કે નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકારે વિશ્વાસ મત જીત્યા છે અને અમે કેબિનેટ અંગે ચર્ચા કરવા માટે ટૂંક સમયમાં બેઠક યોજીશું.” આ અગાઉ તેમણે આ ગઠબંધન શક્ય બનાવવા માટે કોંગ્રેસ અને આરજેડીનો આભાર માન્યો હતો. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે જો તેજસ્વીએ રાજીનામું આપ્યું ન હોત તો તેઓ આજે આ પદ પર ન હોત.
રાજ્યપાલ દ્વારા નીતિશને પહેલાં તક આપવી એ યોગ્ય હતી કે નહીં તે અંગે સોમવારે હાઇકોર્ટની સુનાવણી
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
બિહારમાં નીતિશ કુમારને ભાજપ સાથે મળીને સરકાર રચવા માટે આમંત્રિત કરવાના રાજ્યપાલના નિર્ણય વિરૂદ્ધની અરજી પટના હાઇકોર્ટે સ્વીકારી લીધી છે. અરજીમાં ભાજપ-જેડીયુની સાથે મળીને સરકાર રચવાનો પડકાર આપવામાં આવ્યો છે. જો કે કોર્ટે વિશ્વાસમત પર રોક લગાવવાથી ઇન્કાર કરી દીધો હતો. આ અરજી પર સોમવારે સુનાવણી થશે. ન્યાયમૂર્તિ રાજેન્દ્ર મેનનની ખંડપીઠે સરોજ દુબે તથા અન્ય તરફથી કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી અને સુનાવણી માટે આગામી તારીખ નક્કી કરી. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે સરકારની રચના બંધારણીય પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું છે. સૌથી મોટી પાર્ટી (આરજેડી)ને રાજ્યપાલે સરકાર રચવાની તક જ ન આપી. સાથે જ સરકાર રચનામાં પણ ઘણી ઉતાવળ કરવામાં આવી તેથી સરકાર રચવામાં ઘણી ત્રુટિઓ રહી ગઇ. આ વચ્ચે બિહારમાં એનડીએની નવી સરકારે શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કર્યો છે.