નીતિશને ફટકો, બળવાખોર નેતાના સમર્થનમાં ૩૦૦ કાર્યકર્તાઓએ એક સાથે છોડ્યો જેડીયુનો સાથ

(એજન્સી) પટણા,તા.ર૮
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની વિરુદ્ધ વિદ્રોહ કરનારા ઉદય નારાયણ ચૌધરીના સમર્થનમાં હવે ૩૦૦થી વધારે પાર્ટી કાર્યકર્તાઓએ જનતા દળના (યુનાઈટેડ) સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપનારાઓમાં માઓ-પ્રભાવિત ઈમામગંજ વિધાનસભાના ત્રણ બ્લોક યુનિટ પ્રમુખ પણ સામેલ છે. તેમણે જણાવ્યુ છે કે, તેમણે દલિત નેતા ચૌધરીના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. હકીકતમાં જેડીયુમાંથી મોટી સંખ્યામાં આ લોકોએ એવા સમયે રાજીનામું આપ્યું છે, જ્યારે બિહાર વિધાનસભાના પૂર્વ સ્પીકર ચૌધરીએ જાહેરમાં લાલુ યાદવનું સમર્થન કર્યું હતું. આર.જે.ડી. પ્રમુખ લાલુ યાદવ તાજેતરમાં ચારા ગોટાળાના કેસમાં દોષિત સાબિત થયા છે.
જો કે, આ પહેલાં પણ જય નારાયણ ચૌધરી બિહારના મુખ્યમંત્રી અને પાર્ટી નેતા નીતિશ કુમારની વિરુદ્ધ પોતાની વાત કહી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે નીતિશકુમારનું કદ વડાપ્રધાન મોદીથી ઘણું જ મોટું હતું, જેને ભાજપાએ ઘરનું જ નાનું બનાવી દીધું, વરિષ્ઠ નેતાઓ એનડીએમાં ફરીથી સામેલ થવાના નિર્ણયની ટીકા કરતા કહ્યું હતું કે આ પગલાથી જેડીયુ કાર્યકર્તાઓનું મનોબળ તૂટ્યું છે, ઉદય નારાયણ અન્ય ૬ નેતાઓ પણ બળવાખોર હોવાનો દાવો કર્યો છે. જો કે, જેડીયુએ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી નથી. ઉલ્લેખનીય છે કે ઉદય નારાયણે ગત બુધવારે ગયા જિલ્લાના ઈમામગંજમાં બેઠક યોજી. પૂર્વ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને લઈને જેડીયુના ૬ અન્ય નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. તેમણે દાવો કર્યો કે સભ્યપદ છોડનારાઓમાં પાર્ટી રાષ્ટ્રીય પરિષદના સભ્ય બાલેશ્વર પ્રસાર બિંદ પણ સામેલ છે. ઉદય નારાયણે જણાવ્યું કે, એનડીએમાં સામેલ થતાં પહેલા મારા નેતાનું (નીતિશકુમાર) કદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ મોટું હતું, પરંતુ હવે તે નાનું થઈ ચૂક્યું છે તેનાથી આખી પાર્ટી હતોત્સાહિત થઈ ગઈ છે. તેમણે સ્થાનિક સ્તરના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપવાનો પણ દાવો કર્યો. જે પાછળથી સાચો સાબિત થયો. ઉદય નારાયણ ચૌધરી અનુસાર, બિંદ ઉપરાંત ગયા જિલ્લાના જેડીયુ પ્રવકતા બ્રજેશસિંહ તેમજ સાજિદ અહમદ બાગી, ઈમામગંજ બ્લોકના પ્રમુખ પ્રહ્‌લાદ પ્રસાદ, ડુમરિયા બ્લોકના પ્રમુખ સુરેન્દ્ર પ્રસાદસિંહ અને બાંકે બજાર બ્લોકના પાર્ટી પ્રમુખ રાજકુમાર યાદવે પણ પાર્ટી છોડી દીધી છે તેમણે પાર્ટી નેતૃત્વ પર વિરોધના અવાજને નજર અંદાજ કરવાનો પણ આરોપ મૂક્યો છે. સાથે જ કહ્યું છે કે ઈમામગંજની બેઠકમાં પ૦૦થી વધુ કાર્યકર્તાઓએ પણ પાર્ટીના સભ્યપદનો ત્યાગ કર્યો છે. વરિષ્ઠ નેતાએ રાજ્ય સરકારની વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ સ્કીન પર પ્રશ્ન ઉઠાવતાં શિષ્યવૃત્તિ યોજનાને પુનઃ લાગુ કરવાની વકીલાત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks