નીતિશને મુખ્યમંત્રી બનાવવા મારા પર દબાણ હતું : લાલુ યાદવ

(એજન્સી) પટણા, તા. ૨૭
પટણા મહારેલીમાં પ્રદેશના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગુસ્સો ઠાલવતાં આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદે કહ્યું કે નીતિશ મુખ્યમંત્રી બને તેવું હું કદી પણ ઈચ્છતો નહોતો પરંતુ નીતિશને સીએમ બનાવવા મારી પર દબાણ કરાયું હતું. તેમણે કહ્યું કે મને ખબર હતી કે નીતિશ સારા માણસ નથી. પરંતુ પરિસ્થિતિ જ એવી પેદા થઈ હતી કે મારે નાછૂટકે સમાધાન કરવું પડ્યુ હતું. નીતિશ મુખ્યમંત્રી બને તે વાત મારી કદી પણ હા નહોતી.રેલીમાં લાલુએ ભાજપ પર ઉગ્ર હુમલો કરતાં તેની પર વિપક્ષનો અવાજ રૂંધવાનો આક્ષેપ કર્યો. લાલુપ્રસાદ યાદવ દ્વારા પટણામાં બોલાવવામાં આવેલી ભાજપ ભગાડો રેલીમાં અખિલેશ, મમતા, શરદ યાદવ જેવા મોટા ગજાના નેતાઓ હાજર રહ્યાં હતા. રેલીમાં વડાપ્રધાન મોદી અને ભાજપ નિશાન પર રહ્યાં હતા. જેડીયુના બળવાખોર નેતા શરદ યાદવ પણ રેલીમાં હાજર રહ્યાં હતા. લાલુના પુત્ર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પછી યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ વડાપ્રધાન મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. તેજસ્વીથી એક ડગલુ આગળ જતાં અખિલેશે નીતિશ કુમારને ડીએનએવાળા ચાચા ગણાવ્યાં. તેમણે મોદી સરકારને પૂછ્યું કે ત્રણ વર્ષ વીતી ગયાં હોવા છતાં પણ સારા દિવસો ક્યાં છે. અખિલેશે કહ્યું કે દેશના ગરીબો અને ખેડૂતોએ મોદી સરકારને પૂછવુ જોઈએ કે સારા દિવસો ક્યાં છે. તેજસ્વીએ પોતાના પ્રવચનમાં નીતિશ પર હુમલો કરતા કહ્યું કે ડીએનએવાળા ચાચા હવે સારા રહ્યાં નથી. મંચ પર હાજર રહેલા જેડીયુના બળવાખોર નેતા શરદ યાદવની પ્રશંસા કરતાં તેજસ્વીએ કહ્યું કે અસલી જેડીયુ શરદ યાદવ છે. તેમણે કહ્યું કે શરદ યાદવને ડરાવવામા આવી રહ્યાં છે કે લાલુની રેલીમાં ભાગ લેશો તો પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે. પરંતુ લાલુ, શરદ કે ૨૮ વર્ષીય નવયુવાન કોઈનાથી ડરવાના નથી. શરદ યાદવ પછી બોલવાં ઊભા થયેલા તેજ પ્રતાપે પોતાની જાતને કૃષ્ણ ગણાવ્યાં તો નાના ભાઈ તેજસ્વીને અર્જુન ગણાવ્યાં. પોતાના પિતાના સૂરમાં સૂર પુરાવતાં તેમણે કહ્યું કે હું ભાજપને ઊભી ચીરી નાખીશ. તેમણે શંખનાદ કરીને ભાજપ પર હુમલો કર્યો હતો.
રાહુલે આરજેડી મહારેલીને ટેકો આપ્યો,કહ્યુંઃ બિહારમાં
શાસક પાર્ટીના બદ-ઈરાદા ઊઘાડા પડશે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પટણામાં યોજાયેલી લાલુની ભાજપ ભગાડો રેલીને ટેકો આપતાં કહ્યું કે તેનાથી બિહારમાં શાસક પાર્ટીના ખોટા ઈરાદાઓ ઉઘાડા પડી જશે. વિપક્ષી એકતા પર વિશ્વાસ વ્યક્ત કરતાં રાહુલે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આ રેલી શાસક પાર્ટીના બદ ઈરાદાને ઉઘાડા પાડી દેશે. એક મેસેજમાં તેમણે કહ્યું કે આજે જ્યારે લોકશાહી પર સંકટ ઊભું થયું છે તેવા ટાણે પાર્ટી સંગઠિત થઈ છે. ભાજપને નિશાન પર લેતા તેમણે કહ્યું કે પૈસા અને સત્તાને જોરે શાસક પાર્ટી એવા રાજ્યોમાં પગપેસારો કરી રહી છે જ્યાં તેનો કોઈ જનાદેશ મળ્યો નથી. લાલુપ્રસાદ યાદવ દ્વારા પટણામાં બોલાવવામાં આવેલી ભાજપ ભગાડો રેલીમાં અખિલેશ, મમતા, શરદ યાદવ જેવા મોટા ગજાના નેતાઓ હાજર રહ્યા.

નીતિશે બિહારમાં સાથ છોડ્યો પરંતુ હવે સમગ્ર દેશમાં
મહાગઠબંધન બનશે : શરદ

પટણામાં લાલુ દ્વારા બોલાવવામાં આવેલી ભાજપ ભગાડો મહારેલીમાં હાજર જેડીયુના બાગી નેતા શરદ યાદવે એવું કહ્યું કે લોકશાહી જુમલોથી નહીં પરંતુ સાચી વાતથી ચાલે છે. તેમણે કહ્યું કે નીતિશ કુમારે ભલેને બિહારમાં સાથ છોડ્યો હોય પરંતુ હવે દેશમાં મહાગઠબંધન કરવામાં આવશે. પટણાના ગાંધી મેદાનમાં ભાજપ ભગાડો, દેશ બચાવો રેલીમાં આવેલા હજારો લોકોને સંબોધિત કરતાં શરદે કહ્યું કે આજે દેશની હાલત ખરાબ છે તેને બદલવી પડશે. તેમણે કહ્યું કે મેં ઘણા લોકોને મુખ્યમંત્રી બનાવ્યા, ઘણા લોકોને મુખ્યમંત્રી, પરંતુ ક્યારેય પણ ખુરશી પર બેઠો નથી. મને ખુરશીનો કોઈ મોહ નથી. મેં ગરીબોની સેવા કરવાનું ક્યારેય પણ છોડ્યું નથી. જનતા કરતાં મોટું બીજુ કોઈ માલિક નથી. આપણે ૭૦ વર્ષના થયેલા આઝાદ ભારતને પાંચ વર્ષમાં બદલી નાંખવાનો છે.

શરદ યાદવને ધમકીભર્યો પત્ર મળ્યો લાલુની રેલીમાં નીતિશ વિરૂદ્ધ બોલ્યા તો ગંભીર પરિણામ ભોગવવું પડશે
જેડીયુના બળવાખોર નેતા શરદ યાદવને કથિત રીતે એક ધમકીભર્યો પત્ર મળ્યો છે જેમાં તેમને બિહારની રાજનીતિમાં હસ્તક્ષેપ ન કરવાની અને રાષ્ટ્ર વિરોધી તાકાતોને ટેકો ન આપવાની ચેતવણી આપવામાં આવી છે. યાદવે કાર્યકાળમાં આજે દિલ્હીમા કહ્યું કે મેં પત્ર અંગે ગૃહમંત્રાલયને માહિતી આપી છે. રાજ્યસભા સાંસદ શરદ યાદવને પત્ર દ્વારા તેમના સરનામાએ પત્ર મોકલવામાં આવ્યો હતો. પત્રમાં તેમને ચેતવણી આપવામાં આવી કે તેઓ બિહાર સરકાર તથા હિન્દુ હિતોની સામે ન બોલે અન્યથા તેમને ગંભીર પરિણામ ભોગવવું પડશે. તેમાં કહેવામાં આવ્યું કે તેમણે રાષ્ટ્ર વિરોધી તાકતોને ટેકો આપીને મોટી ભૂલ કરી છે. શરદ યાદવે પાર્ટીના આદેશની ઉપરવટ જઈને લાલુની રેલીમાં ભાગ લીધો હોવાથી પાર્ટી તેમને બહારનો રસ્તો દેખાડી શકે છે. લાલુપ્રસાદ યાદવ દ્વારા પટણામાં બોલાવવામાં આવેલી ભાજપ ભગાડો રેલીમાં અખિલેશ, મમતા, શરદ યાદવ જેવા મોટા ગજાના નેતાઓ હાજર રહ્યા. તેજસ્વીએ પોતાના પ્રવચનમાં નીતિશ પર હુમલો કરતા કહ્યું કે ડીએનએવાળા ચાચા હવે સારા રહ્યા નથી. મંચ પર હાજર રહેલા જેડીયુના બળવાખોર નેતા શરદ યાદવની પ્રશંસા કરતાં તેજસ્વીએ કહ્યું કે અસલી જેડીયુ શરદ યાદવ છે. તેમણે કહ્યું કે શરદ યાદવને ડરાવવામાં આવી રહ્યા છે કે લાલુની રેલીમાં ભાગ લેશો તો પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે. પરંતુ લાલુ, શરદ કે ૨૮ વર્ષીય નવયુવાન કોઈનાથી ડરવાના નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks