(એજન્સી) તા.ર
જેડીયુના વિશ્વાસુ અને વરિષ્ઠ નેતા શરદ યાદવે આજે નવા પક્ષની રચના કરવાના સંકેતો આપ્યા છે જેથી બિહારમાં મહાગઠબંધન જળવાઈ રહે. જો કે, પક્ષના મુખ્ય જનરલ સેક્રેટરી અને બીજા વરિષ્ઠ નેતા કે.સી.ત્યાગીએ આ વાતોને માત્ર અફવાઓ ગણાવી છે. પક્ષના અધ્યક્ષ નીતિશકુમાર અને શરદ યાદવ વચ્ચેના મતભેદો સપાટી ઉપર આવ્યા હતા. નીતિશુકમારે મહાગઠબંધન તોડી ભાજપ સાથે જોડાણ કર્યું હતું એ વાત યાદવને પસંદ પડી ન હતી અને એ એનો વિરોધ જાહેરમાં પણ કરી રહ્યા હતા. જેડીયુના અન્ય યાદવના વિશ્વાસુ નેતા વિજય વર્માએ કહ્યું કે શરદ યાદવ જૂના મિત્રોના સંપર્કમાં છે અને રાજકીય પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છે. નવા પક્ષની રચના કરવાનો વિકલ્પ છે જેના વિષે યાદવ ગંભીર રીતે વિચારણા કરી રહ્યા છે. યાદવે જાહેરમાં કહ્યું હતું કે બિનસાંપ્રદાયિક પક્ષો સાથે છે. એમણે કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ અને સીપીઆઈ નેતા સીતારામ યેચૂરી સાથે પણ મુલાકાત કરી હતી. વર્માએ કહ્યું કે યાદવ કેન્દ્રમાં એનડીએ સાથે જોડાણ કરી મંત્રી પદ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે. એમને પૂછાયું કે બીજા કયા નેતાઓ છે જેમની સાથે યાદવ વાતચીત કરી રહ્યા છે. એ માટે વર્માએ નામ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેડીયુના અન્ય નેતાઓ અલી અનવર અને વિરેન્દ્રકુમાર જેમણે નીતિશના નિર્ણયનો વિરોધ કર્યો હતો એમણે શરદ યાદવ સાથે આ મુદ્દે મુલાકાત કરી હતી.