Ahmedabad

હાથીજણ સ્થિત વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમને ઔડાએ જમીનદોસ્ત કર્યો

અમદાવાદ,તા.ર૮
અમદાવાદના હાથીજણ સ્થિત હીરાપુરમાં આવેલી ડી.પી.એસ. ઈસ્ટમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીઓ ગુમ થવા તથા બાળકોને ગોંધી રાખવા મામલે ચર્ચામાં આવ્યા બાદ આ સ્કૂલને શિક્ષણ વિભાગે રદ કરી આ સત્ર પુરતી પોતાના હસ્તક લઈ લીધી છે. જયારે નિત્યાંનંદ આશ્રમ કે જે આ સ્કૂલમાં ગેરકાયદે રીતે ઉભું કરાયું હતું તેને આજરોજ ઔડાએ તોડવાની કામગીરી હાથ ધરી હતી.
ઔડાએ આજે પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ કર્યા બાદ આશ્રમ તોડવાની કામગીરી હાથ ધરી હતી તેમજ ૨૦ હજારવાર જગ્યાનો કબજો લીધો હતો. આશ્રમમાં સાધુ સાધ્વીઓ જ્યાં રહેતા હતા તે ડોમ પણ તોડી પાડવામાં આવ્યા છે. ડીપીએસની અરજી બાદ નિયમ અનુસાર ઔડાએ ૪૦ ટકા જમીન પાછી લીધી છે. ડીપીએસ ઈસ્ટ-સ્કૂલના મેનેજમૅન્ટ દ્વારા સ્વામી નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમને સ્કૂલની જમીન ભાડે આપવામાં આવી હતી. એ આશ્રમમાંથી યુવતીઓ ગુમ થવાની અને બાળકોને ગોંધી રાખવાની ફરિયાદો થઈ અને એ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ થઈ હતી. ત્યારબાદ આખો વિવાદ સામે આવ્યો હતો. પોલીસ ફરિયાદ તેમજ જમીન વિવાદના પ્રકરણને ધ્યાનમાં લઇને સીબીએસઈ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને એનઓસીની તપાસ મુદ્દે જાણ કરવામાં આવી હતી. જેને પગલે રાજ્ય શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું હતું કે, ૨૦૦૯માં સ્કૂલ તરફથી અરજી કરી હતી, પરંતુ જમીન વગેરેના દસ્તાવેજ પૂરતા ન હોવાથી એનઓસીની અરજી નામંજૂર થઈ હતી.
આ બાબતે સરકારે સીબીએસઈને અહેવાલ મોકલ્યો હતો. ગુજરાત સરકારના અહેવાલને લઈને સીબીએસઈએ સ્કૂલને સાત દિવસમાં જવાબ આપવાની નોટિસ આપી હતી. સ્કૂલે ૨૯ નવેમ્બરે જે જવાબ રજૂ કર્યો હતો, તેને સીબીએસઈએ માન્ય રાખ્યો ન હતો અને એ રીતે સ્કૂલની માન્યતા રદ કરાઈ હતી. જયારે સ્કૂલમાં ઉભા કરાયેલા ગેરકાયદે આશ્રમને આજે ઔડાએ તોડી પાડયો હતો.