(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૩૦
વડોદરાના દુમાડ ગામ પાસે બાઇક લઇ જઇ રહેલા નિવૃત્ત આર્મીમેનને ઓવરલોડ રેતી ભરેલી ટ્રકે ટક્કર મારતા તેઓ પર ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. જેમાં તેઓનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ટ્રક ચાલક આર્મીમેનની બાઇકને એકથી દોઢ કિલોમીટર સુધી ઘસેડી ગયા બાદ ટ્રક છોડી ફરાર થયો હતો. અકસ્માતમાં મૃતકના શરીરના બે ટુકડા થઇ જતાં ભારે ચકચાર જાગી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર દુમાડ ગામની નીલકંઠ રેસીડન્સીમાં નિવૃત્ત આર્મીમેન ભાવેશભાઇ સોલંકી રહેતાં હતા. જેઓ દુમાડ નજીક આ.યુ.સી.ના એલ.સી.જી. પ્લાન્ટમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે તેઓ ઘરેથી બાઇક લઇને નીકળ્યા હતાં. તે દરમ્યાન પુર ઝડપે આવેલી એક રેતી ભરેલી ટ્રકે, તેઓની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેનાં ભાવેશભાઇ રોડ પર પટકાતાં તેઓ પર ટ્રકના ટાયર ફરી વળ્યા હતા. અકસ્માતમાં ટ્રક ચાલક ભાવેશભાઇની બાઇકને એકથી દોઢ કિલોમીટર સુધી ઘસડી જઇને ટ્રક મુકીને ફરાર થયો હતો. બનાવની જાણ થતા ગ્રામજનોનાં ટોળેટોળા સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે વિરોધ દર્શાવ્યો હતો.
જોકે પોલીસે સ્થળ પર આવીને સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. આ માર્ગ પર બેફામ ભાગતાં ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ ભારે નારાજગી દર્શાવી હતી. પોલીસે ટ્રકને કબજે લઇ ટ્રક માલીક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.