નિવૃત્ત સૈન્ય અધિકારીની નાગરિકતા પર શા માટે શંકા કરો છો ? : આસામ ડીજીપીનો સ્થાનિક પોલીસને સવાલ

(એજન્સી) ગુવાહાટી, તા. ૨
વિવાદ વકર્યા બાદ આસામના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે તેમના જુનિયરને સવાલ કર્યો હતો કે, મોહંમદ અઝમલ હક્કની નાગરિકતા પર શા માટે સવાલ ઊભા કરો છો. રાજ્યના પોલીસ વડા મુકેશ સહાયે જણાવ્યું હતું કે, તેમણે એસપી કમરૂપ પાસે હકના ઘરે પત્ર શા માટે મોકલ્યો તેનો જવાબ માગ્યો છે. સહાયે જણાવ્યું હતું કે, અમે આ બાબતે ઊંડી તપાસ કરીશું અને કેવી રીતે બન્યું તેની તપાસ કરાશે. જો તેમાં પોલીસની ભૂમિકા જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. સેનામાં ૩૦ વર્ષ સેવા બજાવ્યા બાદ હક્ક સેનાના જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ)ના પદેથી નિવૃત્ત થયા હતા. પોલીસની આ કાર્યવાહીથી લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને સોશિયલ મીડિયા પર સવાલો કર્યા હતા કે, ભાજપ શાસિત રાજ્યમાં મુસ્લિમ અધિકારી હોવાથી તેમની હેરાનગતિ કરવામાં આવી રહી છે. પોતાના નિવૃત્ત અધિકારીના સમર્થનમાં સેનાની પૂર્વ કમાન પણ ઉતરી આવી હતી. પોલીસની કાર્યવાહીથી ભાવુક બનેલા હક્કે પુછ્યું હતું કે, અનેક વખતે મને જ શા માટે હેરાન કરવામાં આવી રહ્યો છે ? મેં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને એક કાયમી નાગરિકની હેરાનગતિ બંધ કરવા અનુરોધ કર્યો છે. આ પ્રકારની હેરાનગતિનો સામનો હક્કે પહેલીવાર કર્યો નથી. તેમના પત્ની મુમતાઝ બેગમને પણ તાજેતરમાં જ ગેરકાયદે વસાહતી ગણાવ્યા હતા જો કે, ફોરેનર્સ ટ્રિબ્યુનલે તેમને બાદમાં ભારતીય નાગરિક જાહેર કર્યા હતા. પૂર્વ અધિકારીનો જન્મ ૧૯૬૮માં આસામના કામરૂપ જિલ્લામાં થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં પણ તેમને શંકાસ્પદ મતદાર ગણાવતી નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ મેં ટ્રિબ્યુનલ કોર્ટમાં તમામ દસ્તાવેજો રજૂ કરતા મને ભારતીય નાગરિક જાહેર કરાયો હતો. તેમણે જણાવ્યું કે, મારા પિતાનું નામ મકબૂલઅલી છે અને તેઓ ૧૯૬૬ની મતદાર યાદીમાં સામેલ છે.ગામના ૧૯૬૧ અને ૧૯૬૨ના સર્વેમાં પણ અમારૂં નામ છે. અમારી પાસે ૧૯૬૩નો ખેરાજ પટ્ટા પણ છે. જ્યારે મારી માતાનું નામ રહીમુન્નીસા છે જેમનું નામ નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટરમાં ૧૯૫૧માં નોંધાયેલું છે. સપ્ટેમ્બર ૧૯૮૬માં ભારતીય સેનામાં મિકેનિકલ એન્જિનિયર તરીકે જોડાયા હતા અને ભારતીય સેનામાં ૩૦ વર્ષ સેવા આપી. જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે તેઓ જુનિયર કમિશન્ડ ઓફિસર પદે હતા. હક્કને ૨૦૦૩માં તે સમયના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને આ પદે નિમણૂંક આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks