(એજન્સી) પટના, તા. ૨
રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બાદ તેમના મોટા ભાઇ તેજપ્રતાપે પણ મુખ્યમંત્રી નીતિશકુમાર પર આકરા પ્રહારો કર્યા છે. તેજપ્રતાપે કહ્યું છે કે, તેઓ ઘરની બહાર ‘નીતિશ ચાચા નો એન્ટ્રી’નું બોર્ડ લગાવશે. વાસ્તવમાં તાજેતરમાં જ નીતિશકુમારે આરજેડીના પ્રમુખ લાલુ યાદવની તબીયત પૂછવા માટે તેમને ફોન કર્યો હતો તે બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આ ફક્ત કર્ટઝી કોલ હતો અને મહાગઠબંધનમાં હવે નીતિશ ચાચાના પુનરાગમનનો કોઇ માર્ગ નથી. તેજસ્વીના આ નિવેદનને લઇ હવે તેજપ્રતાપે પણ સવાલ કર્યો હતો કે, તેઓ પણ નીતિશકુમાર માટે આ જ વિચારસરણી ધરાવે છે ‘અહીં જે અમારૂ નિવાસ છે ત્યાં ૧૦ નંબરના ગેટ પર નીતિશ ચાચા માટે નો એન્ટ્રીનું લગાઇ દઇએ છીએ. નીતિશકુમાર માટે હવે સ્પષ્ટ રીતે બંને ભાઇઓએ પોતાનું વલણ જાહેર કરી દીધું છે. આ ઉપરાંત જ્યાં તેજપ્રતાપને સવાલ કરવામાં આવ્યો કે, શું તેઓ સંસદીય ચૂંટણી પણ લડશે ત્યારે તેમણે કહ્યું કે, ના હું ફક્ત વિધાનસભા ચૂંટણી લડીશ, હું બિહાર છોડીને જવા માગતો નથી. ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ તાજેતરમાં જ વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરી લાલુ અને તેમના પરિવાર પર પ્રહારો કર્યા હતા. તેના જવાબમાં તેજપ્રતાપે કહ્યું હતું કે, તેમની પાસે રાજનીતિ કરવાનો કોઇ મુદ્દો રહ્યો નથી, સરકારનું ધ્યાન ફક્ત લાલુ પરિવાર પર જ છે. ઉલ્લેખનીય છે કે, ૨૪મી જૂને લાલુના ઓપરેશન બાદ નીતિશકુમારે લાલુને ફોન કરી તબીયત પૂછી હતી. જે અંગે રાજકીય ગણગણાટ થતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આ કાંઇ ખાસ નહીં પણ કર્ટઝી કોલ હતો. આશ્ચર્યની વાત એ છે કે, નીતિશ ચાચાને ચાર મહિના બાદ લાલુપ્રસાદની તબીયતની યાદ આવી છે. કદાચ એવું હોઇ શકે કે, ભાજપ અને એનડીએના નેતાઓ હોસ્પિટલ પહોંચી તેમના પિતાનું હાલ જાણવા ગયા હોય તેવી તેમને ખબર પડી હોય.