હાર્દિકના ઉપવાસ સ્થળે પોલીસની જોહુકમી સામેની PASSની રિટને હાઈકોર્ટે ‘નોટ બી ફોર મી’ કરી

અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાના ઘરે શરૂ કરેલા આમરણાંત ઉપવાસને છ દિવસ થઈ ચૂકયા છે ત્યારે આ પોલીસ દ્વારા હાર્દિકને મળવા આવતા લોકોને અટકાવવામાં આવે છે અને જીવન જરૂરી ચીજ-વસ્તુઓ પહોંચવા દેવામાં આવતી નથી તથા પ્રવેશ મુદ્દે પાસના કન્વીનરો દ્વારા હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. જેની ગુરૂવારના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટના જજ પી.પી. ઢોલરિયાએ અરજી “નોટ બી ફોર મી” કરી હતી. એટલે કે, જજે આ અરજી પર મેટર સાંભળવાનો ધરાર ઈન્કાર કરી દીધો હતો. પાસના વકીલે પણ આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવા ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી, જેથી આ અરજીની સુનાવણી હાઈકોર્ટના બીજા જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અંગે આવતી કાલે એટલે કે, શુક્રવારે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસમાં આવી રહેલા લોકો પર પોલીસ દમન કરી રહી હોવાનો અને તેમને અટકાવતી હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. જેના પગલે હાર્દિક પટેલ વતી ગુજરાત પોલીસ દ્વારા તેને નજરકેદ કરી લેવામાં આવ્યો હોવાનો અને લોકોને ખોટી રીતે રોકીને તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાની અરજી બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે હાર્દિક પટેલના ૨૫ ઓગસ્ટના રોજથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસ પૂર્વે જ પોલીસે તેમના નિવાસની આસપાસ કિલ્લેબંધી કરીને તેમના નિવાસે આવતા લોકોને રોકી રહી છે તેમજ આ વિસ્તારમાંથી પસાર થતી વ્યક્તિને પૂછતાછના નામે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા મથકે પણ શાંતિપૂર્ણ રીતે આંદોલનના સામેલ થવા આવનારા લોકોની પોલીસ અટકાયત કરી રહી છે. આ ઉપરાંત પોલીસ સરકારના ઈશારે તેમના નિવાસ સ્થાને જીવન જરૂરી વસ્તુઓ આવવા દેતી નથી. જે તેમના મૌલિક અધિકારનો ભંગ સમાન કૃત્ય છે. તેથી આ કેસમાં હાઈકોર્ટ પોલીસને નિર્દેશ આપે કે હાર્દિક પટેલને નજરકેદમાંથી મુક્ત કરે અને તેમના આંદોલન સ્થળે લોકોને બેરોકટોક આવવા દે, પરંતુ હાઈકોર્ટે અરજીને “નોટ બી ફોર મી” કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks