નોટબંધી : ૧૦૦ લોકોનાં મોત પર શોક વ્યક્ત ન કરીને સરકાર શરમજનક આચરણ કરી રહી છે : વિપક્ષ

નવી દિલ્હી તા. ૮

વિપક્ષોએ આજે સંસદમાં સરકાર પર એવો આક્ષેપ કર્યો કે નોટબંધીને કારણે મોતને ભેટેલા લગભગ ૧૦૦ લોકોના મોત પર સરકાર કોઈ શોક વ્યક્ત કર્યો નથી. વિપક્ષે કહ્યું કે ૧૦૦ લોકોના મોત પર શોક વ્યક્ત ન કરીને સરકાર શરમજનક આચરણ કરી રહી છે. રાજ્યસભામાં આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે  ચકમક ઝરી હતી. બેન્કો અને એટીએમની લાઈનમાં મોતને ભેટેલા લોકોના મોત પર સરકારે શોક વ્યક્ત કરવો જોઈએ તેવી વિપક્ષે માંગણી કરી હતી અને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો જેને પરિણામે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે જ્યારે ગૃહમાં બોલવા ઉભા થયા ત્યારે ભાજપના સાંસદોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. તો સામે પક્ષે નાણા મંત્રી જેટલી બોલવા ગયા કે તરત જ વિપક્ષોએ શોરબકોર મચાવ્યો હતો. મીડિયાને સંબોધિત કરતાં ગુલામ નબી આઝાદે કહ્યું કે લોકોના મોત પર વડાપ્રધાન સહાનુભૂતિ દાખવી શકતા હતા, માફી પણ માંગી શકતા હતા. તેમણે કહ્યું કે નોટબંધીને કારણે ૪૦ લોકોના મોત થયાં ત્યારે પણ અમે માંગણી કરી હતી અને હવે મોતની સંખ્યા વધીને ૧૦૦ થઈ છે ત્યારે પણ સરકાર ટસની મચ થતી નથી. સભાપતિ હામીદ અંસારીએ બન્ને પક્ષોને શાંત પાડવાની કોશિસ કરી હતી તેમની અપીલ બેઅસર સાબિત થતાં છેવટે તેમણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી. ટીએમસી સાંસદ સુખેન્દુ શેખર રોયે કહ્યું કે નોટબંધીના વડાપ્રધાનના નિર્ણય પછી અત્યાર સુધીમાં ૧૧૫ લોકોના મોત થયાં છે અને ગૃહમાં તેમના મોત પર શોક વ્યક્ત કરવો જોઈએ. નોટબંધીને કારણે મોતને ભેટેલા ૧૦૦ લોકોના મોતો પર સરકારે ગૃહમાં શોક વ્યક્ત કરવો જોઈએ તેવી માંગણી પણ તેમણે કરી હતી. જવાબમાં માહિતી અને પ્રસારણ મંત્રી વૈકેયા નાયડુએ કહ્યું કે આ રાજનીતિ છે. પહેલા આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે અણઘડ વિપક્ષો પ્રતિદિન ગૃહની કાર્યવાહી ખોરવી રહ્યાં છે. કોંગ્રેસના ગુલામ નબી આઝાદે બોલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ ભાજપના સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. અંસારીએ કહ્યું કે ગૃહના નેતાને ફ્લોર ફાળવવામાં આવે છે તે સુવિદિત છે. ગુલામ નબી આઝાદની વાત પર શાંતિ જાળવવાની અપીલ હામીદ અંસારીએ મંત્રીઓને કરી હતી. નાયડુએ કહ્યું કે સરકાર અંગત રીતે વિરોધ પક્ષના નેતાનું ખૂબ માન સન્માન કરે છે. આઝાદે કહ્યું કે એક મહિનાના સમયગાળામાં ૧૦૦ કરતાં પણ વધારે ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને મોત થયાં છે જે બદલ સરકારે સંસદમાં શોક પ્રસ્તાવ લાવવો જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts