‘નોટા’ની તોપ પોતાની સામે જ ફૂટે તેમ લાગતાં ભાજપ દ્વારા હવે રદ કરવા દોડધામ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા ભાજપ અવનવા હથકંડા, યુક્તિઓ અને પ્રપંચ અપનાવી રહ્યું હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે અને ભાજપના ઈશારે જ ચૂંટણીપંચે પણ રાજ્યસભાની ચૂંટણીમાં નોટાનો ઉપયોગ કરવા આદેશ જારી કર્યો છે. આથી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. બીજી તરફ પોતાના ધારાસભ્યોની નારાજગી જોતા ભાજપને પણ નોટાના ઉપયોગ અંગે ફડક પેશી જતાં તેમણે પણ નોટાનો ઉપયોગ ન કરવા ચૂંટણીપંચ સમક્ષ માગ કરી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.મનિષ દોશીના જણાવ્યા અનુસાર રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને હરાવવા આખી ભાજપ એડીચોટીનું જોર લગાવી રહેલ છે. આથી પ્રથમ અમારા ધારાસભ્યોને ટિકિટ અને નાણાંની લાલચ આપી ખરીદી લીધા. જે લોકો ન ખરીદાયા અને તેમના ઈમાન ન ડગમગ્યા તેઓને ધાકધમકી આપવાનું શરૂ કરાયું. આથી પોતાની સલામતી માટે ધારાસભ્યો બેંગ્લુરૂ જતા રહ્યા. આથી બાજી હાથમાંથી સરકતી જણાતા કોંગ્રેસે તેમના ધારાસભ્યોને જે વ્હીપ આપ્યા તેમાં પણ ભાજપના પેટમાં દુખ્યું અને વ્હીપનો અનાદર કરવાથી પક્ષાંતર ધારો ન લાગે તેવા નિવેદનો કર્યા.
ઉપરાંત ભાજપના ઈશારે ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો આથી જે ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરતાં ગભરાય તેઓ નોટાનો ઉપયોગ કરી શકે અને પક્ષાંતર ધારાથી બચી શકે. જો કે કોંગ્રેસે વ્હીપનો અનાદર અને નોટાનો ઉપયોગ કરવાથી પણ પક્ષાંતર ધારાનો કાયદો લાગુ પડે તેવી સ્પષ્ટતા કરતા આ હથિયાર પણ બુઠ્ઠું સાબિત થયું હતું.
ડો.મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, આજરોજ ચૂંટણીપંચમાં જે ગતિએ એકાએક ભાજપના પ્રતિનિધિ મંડળે નોટાનું પ્રાવધાન રદ કરવાની રજૂઆત કરી તે સમયે ભાજપના નેતાઓના ચહેરા પર નોટાના પ્રાવધાનની આડઅસરો સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. જે નોટાના પ્રાવધાનની જાહેરાત સાથે આખો દિવસ ભાજપના નેતાઓ તમામ માધ્યમોમાં કૂદાકૂદ કરતાં હતા તેઓ અચાનક જ નોટાનું પ્રાવધાન રદ કરવા માટે ચૂંટણીપંચમાં રજૂઆત કરવા કેમ દોડી ગયા ? ત્યારે ભાજપ જ તેના જ કાવત્રામાં ફસાઈ ગયું હોય તેમ જણાય છે. કોંગ્રેસ પક્ષને તોડવામાં સતત વ્યસ્ત ભાજપને તેના જ કારનામા-કાવત્રાનો ભોગ બનવું પડે તેવી રાજકીય સ્થિતિ અને પોતાના જ પક્ષમાં ર૪થી વધુ ધારાસભ્યો જે નિમ્ન કક્ષાના બનાવોને લીધે વ્યથિત થઈને જો પક્ષનું મોવડી મંડળ વાત ના માને તો બળવો કરવાની તૈયારી કરી ચૂક્યા છે અને તેના ભાગરૂપે નોટાનો ઉપયોગ કરવા માગે છે. આ વાતની પુષ્ટિ એ પરથી થાય છે કે, જે ભાજપ નોટા નોટાના માધ્યમથી કોંગ્રેસ પક્ષને નુકસાન કરવા માગતા હતા તે જ નોટાના ઉપયોગ દ્વારા પોતાના જ ધારાસભ્યો ભાજપના જ રાજ્યસભાના ઉમેદવારોને હરાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પરિણામે તાત્કાલિક અસરથી ભાજપના વરિષ્ઠ આગેવાનોએ ચૂંટણીપંચમાં નોટાનું પ્રાવધાન રદ કરવા માટે રજૂઆતની ફરજ પડી છે. જે રીતે ભાજપના આંતરિક સર્વે અને આઈબીના રિપોર્ટ માધ્યમોમાં પ્રકાશિત થયા છે તે પ્રમાણે ભાજપના પપથી ૬પ બેઠકો મળશે અને ભાજપ આગામી ચૂંટણીમાં ૪રથી પર ધારાસભ્યોની ટિકિટ કાપશે. આ મુદ્દે પણ ભાજપમાં જ આંતરિક ખેંચતાણ તીવ્ર બની છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks