રોજિંદાં કામો માટે નાણાં મેળવવા ફાંફાં મારી રહેલી પ્રજા પ્રોપર્ટી ખરીદ-વેચાણનું વિચારી શકતી નથી
(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૮
કેન્દ્ર સરકાર દ્વારા એકાએક લેવાયેલા નોટબંધીના નિર્ણયના ૪૦-૪૦ દિવસ બાદ પણ સામાન્ય પ્રજાથી માંડીને વિવિધ ધંધા-રોજગારને તેની વ્યાપક અસરો થયેલી જોવા મળી રહી છે. મોટાભાગના લોકોના રોજિંદા તથા આયોજનના કામો થંભી પડ્યા છે. વિવિધ ધંધા-રોજગારમાં ઘટાડો થતાં વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોટબંધીએ દરેકને લપેટમાં લીધા છે, ત્યારે તેની સૌથી વધુ અસર રિયલ એસ્ટેટ ક્ષેત્રને થવા પામી છે. રોકડની ભયાનક તંગીનો સામનો કરી રહેલી પ્રજા અગત્યના કામો કે ખરીદી જ થઈ જાય તો બસ છે ત્યારે રિયલ એસ્ટેટમાં વધુ નાણાં એટલે કે લાખો રૂપિયાના સોદા માટે ક્યાંથી તૈયાર થાય ? આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના માર્કેટમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થવા પામ્યો છે.
નોટબંધીના કારણે સમગ્ર રાજ્યના શહેરો અને ગામોમાં ધંધા-રોજગારને ખૂબ જ ગંભીર અસર થવા પામી છે. મોટાભાગના બજારો ખાલીખમ ભીડ-વિનાના જોવા મળી રહ્યા છે. જે વિસ્તારોના બજારો કાયમ ભીડ માટે જાણીતા છે ત્યાં પણ બધુ સૂમસામ ભાસી રહેલ છે લોકો પાસે રોકડા નાણાંની ભયાનક તંગી હોઈ રોજિંદા કામો માટે જરૂરી નાણાંની જ સગવડ માટે બેન્કો તથા છ્સ્ના ધરમ-ધક્કા ખાઈ રહ્યા છે ત્યાં બજારોમાં ખરીદી કરવા ક્યાંથી જાય, તેવા સંજોગોમાં બજારોમાંથી ભીડ ઓછી થઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિની સૌથી વધુ ગંભીર અસર રિયલ એસ્ટેટ ક્ષેત્રને થઈ છે. આ ક્ષેત્ર તો જાણે એક દમ ઠપ્પ થઈ ગયેલું જોવા મળે છે. નોટબંધી પછીથી એક માસ જેટલા સમયમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ૯૦ ટકાનો ઘટાડો નોંધાવવા પામ્યો છે. એટલે કે આ માર્કેટ લગભગ સ્થગિત થઈ ગયો હોય તેમ કહી શકાય. માંડ માંડ લાંબી લાઈનોમાં ઉભા રહીને રોકડ મેળવી રહેલ પ્રજા સાચવીને નાણાં વાપરવાનું પસંદ કરી રહી છે. આવી સ્થિતિમાં કોઈ રિયલ-એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કે પછી ઘર, જમીન, ફલેટ ખરીદ કઈ રીતે કરી શકે ? આ ઉપરાંત જેઓ પોતાની પ્રોપર્ટી વેચવા માંગે છે તેમને નાણાંની કમીને કારણે કોઈ ખરીદવા આગળ આવી રહેલ નથી. આ ક્ષેત્રમાં ખાસ કરીને રહેણાંકના મકાનોના ખરીદ-વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિતના મોટા શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટ બરોબરનું પટકાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમાં પણ સૌથી વધુ અમદાવાદમાં નવા બુકિંગમાં ઘટાડો જોવા મળે છે. આ સાથે જ રાજ્યના મોટા શહેરોમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં ૭પથી ૬પ ટકાનો ઘટાડો નોંધાયો છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે એવરેજ મકાનોનું જેટલું વેચાણ થતું હતું તેમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ખૂબ જ ઘટાડો થવા પામ્યો છે. ર૦૦૦ મકાનોના દર માસે એવરેજ વેચાણ સામે નવેમ્બરમાં અમદાવાદમાં માત્ર ર૦૦ મકાનોના બુકિંગ થયાનું નોંધાયું છે. આ ક્ષેત્રમાં સુરતમાં થોડે ઘણે અંશે રાહતરૂપ વેચાણ થઈ રહેલ છે. નોટબંધીના કારણે મોટાભાગની પ્રજા રાહ જોવાની નીતિ અપનાવી રહી હોઈ રિયલ એસ્ટેટ ક્ષેત્રની આવી સ્થિતિ ઉભી થઈ હોવાનું આ ક્ષેત્રના અનુભવીઓ જણાવે છે. નોટબંધીની ઈફેક્ટ લાંબો સમય ચાલે તો આગળ જતાં નાણાંની સ્થિતિ કેવી રહેશે તે વિચારી લોકોએ રિયલ એસ્ટેટમાં ખરીદ-વેચાણ કરવાનું હાલ પૂરતું માંડી વાળ્યું હોય તેમ જણાય છે જેને કારણે આ ક્ષેત્રને મોટી ઈફેક્ટ થવા પામી છે.