(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
રાજકીય સૂત્રોની વાત સાચી માનવામાં આવે તો ૧૭ જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં નોટબંધી,જીએસટી અને બીજા વિવિધ મુદ્દે સરકારની સામે બાંયો ચડાવવા ૧૮ વિપક્ષી પાર્ટીઓ સજ્જ બની છે. મંગળવારે સંસદના હોલમાં થયેલી બેઠકમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ અંગેની વિસ્તૃત ચર્ચાવિચારણા હાથ ધરી હતી અને સંસદમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓની છણાવટ કરી હતી. વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે બોલાવવામાં આવેલી આ બેઠકમાં વિવિધ મુદ્દે સરકારને ભીંસમાં લેવા માટે રણનીતિ ઘડવામાં આવી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. ૧૮ પાર્ટીઓએ સંસદની અંદર અને બહાર તથા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સરકારને ભીંસમાં લેવા માટે મુખ્ય પાંચ મુદ્દાની ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ પાંચ મુદ્દાઓમાં નોટબંધીની આડઅસરો, જીએસટીના અમલીકરણમાં અઘટિત ઉતાવળ,ખેડૂતોની મુશ્કેલીઓ, તેમના આપઘાત તથા કેટલાક નેતાઓ સામેના રાજકીય બદલા અને દેશના સંઘીય માળખાના રક્ષણ જેવા મુદ્દાઓ સામેલ છે. કથિત રાજકીય બદલાનો ઉલ્લેખ કરતાં સૂત્રોએ ઉમેર્યું કે નારદ કૌભાંડમાં ટીએમસી નેતાઓ સામેના કેસો, પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમ તથા લાલુપ્રસાદ યાદવના પરિવાર પર પાડવામાં આવેલી સીબીઆઈ રેડના કેસોની પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની આગેવાનીમાં મંગળવારે થયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં સર્વસંમતિથી ગોપાલકૃષ્ણ ગાંધીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. બેઠકમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ટીએમસી નેતા ડેરેન ઓબ્રાયન, એનસીપીના પ્રફુલ્લ પટેલ, સીપીએમ નેતા સીતારામ યેચુરી, એનસીના ઓમર અબ્દુલ્લાહ,સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલ, બીએસપીના સતિષ મિશ્રા તેમજ બીજી ૧૦ પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ટીએમસી નેતા ડેરેન ઓબ્રાયને બેઠકની વિગતો આપવાનો તો ઈન્કાર કર્યો પરંતુ એટલું કહ્યું કે અંગત પાર્ટીઓએ પોતપોતાના મુદ્દાઓ ઉઠાવી શકે છે પરંતુ ૧૮ પાર્ટીઓની વચ્ચે વ્યાપક સમજૂતી થઈ છે. તેમણે ઉમેર્યું કે અમે ૧૮ પાર્ટીઓ એક ટીમ તરીકે કાર્યરત છીએ. વિપક્ષમાં કોઈ એક પાર્ટીના વર્ચસ્વનો તો કોઈ સવાલ જ ઉઠતો નથી. સૂત્રોએ કહ્યું કે બેઠકમાં સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલે એવું સૂચન વ્યક્ત કર્યું કે વિપક્ષી પાર્ટીઓએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે મહિનામાં એક વાર આવી બેઠક યોજવી જોઈએ. બેઠકમાં ડેરેન ઓબ્રાયને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીના નામનું સૂચન કર્યું હતું જેને સૌએ વધાવી લીધું હતું. ત્યાર બાદ બીજા કોઈ નામનું સૂચન ન કરવામાં આવ્યું. બીજી સૌથી મોટી પાર્ટી હોવાને નાતે ટીએમસીને વિપક્ષના સંયુક્ત ઉમેદવારના નામનું સૂચન કરવાનું કહેવામાં આવ્યું. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્ત ઉમેદવારની પસંદગી કરવાનો વિકલ્પનો ઉપયોગ કર્યો હતો.