(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧
નોટબંધીના રરમા દિવસે પણ લોકોને પોતાના પૈસા બેંકમાંથી ઉપાડવા પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન આવતીકાલથી રૂા.પ૦૦ની નોટ ટોલનાકા, પેટ્રોલપંપ, સરકારી દવાખાના સહિત છૂટછાટ અપાયેલ ૧૭ જેટલી જગ્યાઓ પર પણ નહીં ચાલે તેવી જાહેરાત સરકાર દ્વારા કરાતા લોકોમાં ચિંતા વધી ગઈ છે. ટોલનાકા પર છુટ્ટા પૈસાના ંઅભાવે વાહનોની લાંબી લાઈનો, જ્યારે પ૦૦ની જૂની નોટો ચલાવવા પેટ્રોલપંપ પર ધસારો જોવા મળ્યો હતો. તા.૧પમી ડિસેમ્બર સુધી અપાયેલ છૂટછાટ એકાએક પાછી ખેચી લેવાતા છુટ્ટા પૈસાની મોકાણ સર્જાશે. તેમજ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો સ્વયંભુ બંધ રહે તેવા અણસાર જણાઈ આવ્યા છે. જ્યારે વેપારીઓમાં અજંપાભરી પરિસ્થિતિ સર્જાઈ છે. તા.૧પમી ડિસેમ્બર સુધી પેટ્રોલપંપ, ટોલનાકા, સરકારી દવાખાનાઓ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, કેટરીંગ સહિત ૧૭ જેટલી સેવાઓ માટે રૂા.પ૦૦ની જૂની નોટો ચાલશે તેવી જાહેરાત અગાઉ સરકાર દ્વારા કરાઈ હતી પરંતુ એકાએક સરકાર યુટર્ન લઈ તમામ સેવાઓ પર રૂા.પ૦૦ની નોટ નહીં ચાલે તેમજ તા.ર ડિસેમ્બર મધરાત્રીથી ટોલટેક્ષ પણ ભરવો પડશે. તેવી જાહેરાત કરતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. આવતીકાલથી તમામ નેશનલ હાઈવે પર રાબેતા મુજબ ટોલટેક્ષ લેવાનું પણ શરૂ કરવા આદેશ અપાયો છે. જેના માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેને તમામ ટોલનાકાઓ પર છૂટા પૈસા પૂરતી માત્રામાં પહોંચાડવાની ખાતરી અપાઈ છે. ઉપરાંત ક્રેડિટ કાર્ડ કે ડેબીટ કાર્ડથી પણ ટોલટેક્ષ ભરી શકાશે તથા ઈવોલેટથી પણ ટોલટેક્ષ ભરી શકાશે. ટોલનાકાઓ પર છૂટ્ટા પૈસાની મોકાણ તેમજ અફરાતફરી ભર્યો માહોલ ન સર્જાય તથા લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે માટે તકેદારીના પગલારૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. નોંધનીય છે કે વેપારી વાહનોના વ્યવસાયમાં રોજ- બરોજ ખર્ચ અર્થે રોકડ રકમની જરૂરિયાત સામે બેંકમાં રોકડ ઉપાડ મળતો નથી અને એ ઉપરાંત ડિઝલ પેટ્રોલપંપ પર પણ રૂા.પ૦૦ની નોટની સવલત બંધ થતાં તેમજ ટોલટેક્ષની રાહત પાછી ખેંચાતા આવતીકાલ મધરાત્રિથી સ્વયંભૂ બંધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેમજ અધવચ્ચે પહોંચેલ ગાડીઓ ગુડઝ વાહનો અટકી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ નોટબંધીના રરમા દિવસે પણ લોકો પૈસા ઉપાડવા એક બેંકથી બીજી બેંક તથા એટીએમના ધક્કા ખાઈ રહ્યા છે. પૂરતી કેશ બેંકોમાં પ્રાપ્ત નથી ત્યારે સરકારના અવિચારી નિર્ણયથી અજંપાભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.