(એજન્સી) તા.૨૧
મુંબઈના એક સામાજિક કાર્યકરે દાખલ કરેલી આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે, ૮ નવેમ્બર, ર૦૧૬ના દિવસે જાહેર કરવામાં આવેલી નોટબંધીના ફક્ત પાંચ દિવસમાં જ અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકમાં ૭૪૫.૫૯ કરોડ રૂપિયાના મૂલ્યની પ્રતિબંધિત નોટો જમા થઈ હતી. જિલ્લા સહકારી બેંકોમાં જમા કરાવવામાં આવેલી જૂની નોટોની આ સૌથી મોટી રકમ છે. રસપ્રદ વાત તો એ છે કે, ભાજપ પ્રમુખ અમિત શાહ ઘણા વર્ષોથી આ બેંકના ડાયરેક્ટર પદે છે. વર્ષ ૨૦૦૦માં તે આ બેંકના ચેરમેન પણ રહી ચૂકયા છેે. ઉલ્લેખનીય છે કે, ૮ નવેમ્બર ર૦૧૬ના દિવસે જાહેર કરવામાં આવેલી નોટબંધીના પાંચ દિવસ પછી ૧૪ નવેમ્બરે જિલ્લા સહકારી બેંકો પર જૂની નોટો સ્વીકારવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પગલાં પાછળ એ ભય હતો કે, જિલ્લા સહકારી બેંકોના માધ્યમ વડે કાળાનાણાં ઠેકાણે પાડવામાં આવી રહ્યા છે. જૂની નોટો જમા કરવામાં બીજા નંબરે રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંક હતી. આ બેંકમાં ૬૯૩.૧૯ કરોડ રૂપિયાના મૂલ્યની જૂની નોટો જમા થઈ હતી. આ બેંકના ચેરમેન જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા છે. જે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ મંત્રી છે. અહીં નોંધવા જેવી વાત એ છે કે, નોટબંધીના પ્રથમ પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં વ્યાપ ધરાવતી ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંકમાં ફક્ત ૧.૧૧ કરોડ રૂપિયાના મૂલ્યની જૂની નોટો જમા થઈ હતી. આમ, આ આરટીઆઈના આંકડાઓ ઘણા સૂચક છે. આ આરટીઆઈ દાખલ કરનાર કાર્યકર મનોરંજન એસ.રોયે કહ્યું હતું કે, ‘નોટબંધી પછી પ્રથમ વખત રાજ્ય સહકારી બેંકો (એસસીબી) અને જિલ્લા સહકારી બેંકોમાં જમા થયેલી રકમનું આ આરટીઆઈ હેઠળ ખુલાસો થયો છે અને આ ખુલાસો હેરતજનક છે.’