
(સંવાદદાતા દ્વારા) વલસાડ, તા.૧૭
વલસાડમાં કોંગ્રેસ સમિતિ તરફથી ર૦૧૭ની ચૂંટણીને અનુલક્ષીને વલસાડ કોંગ્રેસ ઓફિસ પાસે વિશાળ મેદનીની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજવામાં આવી હતી. આ જાહેરસભામાં વલસાડ જિલ્લાના વાપી, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર, નાનાપૌંઢાથી આદિવાસી યુવકો, વૃદ્ધો, સ્ત્રીઓ તથા અત્રેના વેપારીઓ અને તમામ પ્રજાજનો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ જાહેરસભામાં મુખ્ય મહેમાન તરીકે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ રાજા બરાલના હુલામણા નામથી જાણીતા પંજાબથી ઈન્દ્રવિજયસિંહ બરાલ ઉપસ્થિત રહ્યા હતા. રાજા બરાલે પોતાના પ્રવચનમાં જણાવ્યંુ કે ભારતીય યુવક કોંગ્રેસ સમિતિ તરફથી અમે ભારતના નાગરિકોને તથા વિશેષ ગુજરાતની પ્રજાને જાગૃત કરીને જણાવવા માગીએ છીએ કે નોટબંધીથી બરબાદી, જીએસટીથી આર્થિક બરબાદી અને દેશમાં બેરોજગારી ચાલી રહી છે. નાના તથા મોટા વેપારીઓ અને પ્રજા આર્થિક રીતે ખતમ થઈ ગઈ છે તો ગુજરાતની પ્રજા આવનારી ચૂંટણીમાં ભાજપાને ખતમ નહીં કરે તો તેઓ પોતાના પરિવારને નક્કી બરબાદ કરશે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે ભાજપાના રાજમાં કોંગ્રેસના યુવાનોની જવાબદારી દેશ માટે વધી ગઈ છે અને હું જ્યારે ગુજરાતના જે પણ શહેર અને જિલ્લામાં જાવ છું ત્યારે વિદ્યાર્થીઓ આ મોંઘા ભણતર અને ખાનગી શિક્ષણમાં મોંઘી ફીને લીધે શિક્ષણથી વંચિત રહેતા હોવાનું જણાવે છે. તેઓ નાણાંના અભાવે વચ્ચેથી ભણવાનું છોડી દે છે. તો દરેક જગ્યાએ યુવાનો ડિગ્રી લઈને નોકરી વગર ફરી રહ્યા છે. વલસાડ જિલ્લાની કંપનીઓમાં સળગતો પ્રશ્ન આદિવાસીઓને નોકરી મળતી નથી. આ મુદ્દાને લઈને જણાવ્યું કે કોંગ્રેસ આવશે તો સૌપ્રથમ યુવાનો પર ધ્યાન આપીને સ્થાનિકોને નોકરીઓમાં અગ્રતાક્રમ આપશે અને યુવાઓ બેરોજગાર નહીં રહે.
ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના ઈન્ચાર્જ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે પણ યુવાનો અને પ્રજાના સળગતા પ્રશ્નો ઉપર ભાજપાને આડે હાથે લેતા તેઓની આર્થિક નીતિ અને ભાઈ-ભાઈને લડાવવાની નીતિ સામે પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ યુથ કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવેએ ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ રાજા બરાલ એ સ્થાનિક પ્રશ્નો અને યુવાનોને એનએસયુઆઈ વિશે માહિતી આપી હતી.
આ પ્રોગ્રામમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, વલસાડ જિલ્લા ઉપપ્રમુખ પીર મકરાણી, મહિલા પ્રમુખ જયશ્રીબેન પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, વલસાડ જિલ્લા મંત્રી ફરહાન બોધા, વાપી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુ પટેલ, એનએસયુઆઈ વલસાડ જિલ્લા ઉપપ્રમુખ સાદયપ્પુ બોધા, વાપી શહેર મહામંત્રી ઉમાશંકર યાદવ, વલસાડ જિલ્લા માયનોરિટી ચેરમેન ખલીલ ગોહિલ તથા અગ્રણી કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા.