(એજન્સી) ચેન્નાઈ, તા.૧૮
અભિનેતામાંથી નેતા બનવા આગળ વધી રહેલા સાઉથના સુપરસ્ટાર કમલ હાસનએ નોટબંધીનું સમર્થન કરવા માટે માફી માંગી છે. કમલ હાસને કહ્યું કે, તેમણે ઉતાવળમાં નોટબંધીનું સમર્થન કર્યું હતું, જેના માટે હવે તેઓ માફી માંગે છે. એક તમિલ મેગેઝિનમાં હાસને લેખ લખ્યો, જેનું શીર્ષક ‘અ બિગ અપોલોજી’ તેમણે લખ્યું કે, નોટબંધીનું સમર્થન કરવા બદલ હું માફી માંગું છું. ગત વર્ષે જ્યારે નોટબંધીની ઘોષણા થઈ ત્યારે કમલ હાસન નોટબંધીનું સમર્થન કરનાર સેલિબ્રિટીમાંથી એક હતા. ત્યારે કમલે લખ્યું હતું કે, મિસ્ટર મોદીને સલામ છે, પાર્ટી લાઈનથી ઉઠીને નોટબંધીનું સમર્થન કરવું જોઈએ. કરદાતાઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે લખ્યું કે, મેં સમર્થન કર્યા બાદ મારા અનેક સાથીઓએ મને આ અંગે સમજાવ્યો. જે પછી મને લાગ્યું કે, ભલે આ યોજના સારી હતી પરંતુ તેને યોગ્ય રીતે લાગુ કરવામાં આવી નહતી. કમલે લખ્યું કે, જો પીએમ મોદી આ ભૂલ માટે માફી માંગવા તૈયાર છે તો હું તેમને વધારે એક વાર સલામ કરીશ. એક સારા આગેવાનની ઓળખ છે કે, તે પોતાની ભૂલોને સ્વીકારે. ગાંધીજી તેવું કરવામાં સક્ષમ હતા. ઉલ્લેખનીય છે કે, પાછલા કેટલાક સમયથી કમલ હાસનની રાજકીય સિદ્ધિઓ વધી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કમલ હાસન ટૂંક સમયમાં રાજકારણમાં જોડાઈ શકે છે. તાજેતરમાં તેઓ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા.