હવેથી ૧પ વર્ષ જૂની નવી શરતની ખેતીની જમીન આપોઆપ જૂની શરતમાં ફેરવાશે

અત્યાર સુધી કાયદો હોવા છતાં તેનો અમલ કરાતો ન હોઈ સરકારનો નિર્ણય

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૪

રાજ્યમાં નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવામાં પડતી હાલાકીને સરળ કરવા ભણી સરકારે કદમ ઉઠાવ્યું છે. નવી શરતની ખેતીની જમીન ૧પ વર્ષે આપોઆપ કોઈ પણ પ્રિમિયમ લીધા વિના જૂની શરતમાં ફેરવી દેવાનો કાયદો હાલ અસ્તિત્વમાં હોવા છતાં તેનો અમલ થતો ન હતો અને ખેડૂતો વગેરેને ધરમ-ધક્કા ખાવા પડતા હતા, ત્યારે હવે રાજ્ય સરકારે આવા કિસ્સાઓમાં ખેડૂતોને અરજીઓની ઝંઝટમાંથી છુટકારો આપી, મામલતદાર દ્વારા આપમેળે નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા અંગેના હુકમો કરવાના રહેશે તેઓ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નવી શરતની જમીનને ખેતી-બિનખેતી હેતુ માટે નવી શરતમાં ફેરવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ છે જેમાં કલેકટરને વધુ સત્તા આપતા નિર્ણયમાં પાંચ કરોડ સુધીના મુલ્યાંકનોના પ્રકરણો રાજ્યકક્ષાએથી જે પરત કરાયા છે તેનો નિયમોનુસાર નિર્ણય કરીને નિકાલની જાણ અરજદારને દિન-૧પમાં કરાશે જે માટે સંબંધિત કલેકટરોને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. નવી શરતની ખેતીની જમીન ૧પ વર્ષે જૂની શરતમાં ફેરવી દેવા ખેડૂતોને કલેકટર, મામલતદાર, તલાટી વગેરે જગ્યાએ અરજીઓ કરવી પડે છે. તેથી અરજી લીધા વગર તાત્કાલિક જૂની શરતમાં ફેરવી આપવા અંગે ઘણા સમયથી રજૂઆતો સરકારને મળી હતી જેને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય કરાયો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે હજુ પણ ઘણી બધી જગ્યાએ આવા હુકમો મામલતદાર દ્વારા કરવામાં આવતા નથી તેવી રજૂઆતો થઈ રહી છે. તેને ધ્યાને લઈ નવી શરતની જમીનને જો ૩૧ ઓગસ્ટ-ર૦૧૬ના રોજ ૧પ વર્ષ પૂર્ણ થયા હોય તો સંબંધિત મામલતદાર દ્વારા ૩૧ ડિસેમ્બર-ર૦૧૬ સુધીમાં શરત ભંગના કેસ નહીં હોય તો આપમેળે ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા અંગેના હુકમો કરવાના રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારા હેઠળની ખેતીની જમીનોને ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ પ્રિમિયમ લીધા વિના તથા અરજીની રાહ જોવા વિના મામલતદારે જે જમીનને ૧પ વર્ષ પૂર્ણ થયા હોય અને કોઈપણ જાતનો શરત ભંગ ન હોય તો આપમેળે હુકમો કરીને ખેતીના હેતુ માટે તા.૪-૭-ર૦૦૮ના ઠરાવ મુજબ જૂની શરતમાં ફેરવી આપવાની રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks